કપડવંજના સોનિપુરામાં ખનન માફિયાઓ દ્વારા સ્થાનિક વિરોધની દરકાર કર્યા વગર હજારો મેટ્રિક ટન માટીની ચોરીના મામલાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં મહુધા પાલિકા વિસ્તારના કલસારિયા તળાવમાં વગર મંજૂરીએ જેસીબી ઉતારી બેફામ ખનીજ ચોરી શરૂ થવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ખુદ ભાજપ શહેર પ્રમુખ દ્વારા સમગ્ર મામલે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, પંરતુ તંત્ર દ્વારા ભાજપ પ્રમુખની અરજીને પણ બાજુએ મૂકીને સાંઠગાંઠ ધરાવતા તત્વોને માટી ઉઠાવવાની મૌખીક પરવાનગી આપી દેતાં જેસીબી તળાવમાં ઉતરી ગયા છે, અને માટી ખનન પણ શરૂ થઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ મહુધા પાલિકા વિસ્તારના ડડુસર રોડ ઉપર બ્લોક નંબર 734 માં આવેલા કલસરીયા તળાવમાં માટી ઉલેચવા માટે પાણી ખાલી કરવાનું સુનિયોજિત ષડયંત્ર કરીને તળાવને રણ બનાવી દેવામા આવ્યું હતું. જેના પગલે મહુધા શહેર ભાજપ પ્રમુખ અને કાઉન્સિલર રૂપેશ રાઠોડ દ્વારા જિલ્લા કલેક્ટર અને મહુધા મામલતદાર કચેરીમાં લેખિત વિરોધ દર્શાવી હકીકતો અલગ હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં મહુધા મામલતદાર કચેરીમાં સાંઠગાંઠ ધરાવતા તત્વો એ પુનઃ પંચકેશ કરાવી સ્થળની સ્થિતિનો મનઘડત રિપોર્ટ તૈયાર કરી પોતાના તરફી નિર્ણય કરાવી લેખિત હુકમ મળે તે પહેલા જ તળાવ માંથી માટી ઉપાડવાનું શરૂ કરી દીધું છે.
લોકશાહીની હત્યા, જેણે તળાવ ખાલી કર્યું તેજ વ્યક્તિની એજન્સી ખોદકામ કરી રહી છે
સુજલામ સુફલામ યોજના જાહેર થયા પહેલા જ તળાવ ખાલી કરવામાં આવ્યું હતું. જે વ્યક્તિ દ્વારા તળાવ ખાલી કરવામાં આવ્યું હતું, તે જ વ્યક્તિની એજન્સીને શાસક પક્ષ દ્વારા સભ્યો ને અંધારામાં રાખી સરકયુલર ઠરાવ કરી તળાવ આપવામાં આવ્યું છે. આઠથી વધુ સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં લોકશાહીનું ખૂન કરી તળાવ આપવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ મહુધા મામલતદાર દ્વારા પણ મારો અભિપ્રાય લીધા વિના મનસ્વી રીતે તળાવ આપવાનો પોતાનો અભિપ્રાય આપવામાં આવ્યો છે.> રૂપેશ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ અને કાઉન્સિલર, મહુધા
ચીફ ઓફિસરની કબૂલાત, વહિવટી પ્રક્રિયા બાકી
મહુધાના કલસરિયા તળાવની મંજૂરી પત્ર આયે બે ત્રણ દિવસ થયા છે. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એજન્સીને ઓર્ડર આપવામાં આવશે. > ચન્દ્રકાન્ત દેસાઈ, ચીફ ઓફિસર, મહુધા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.