માટી કૌભાંડ:તળાવની મંજૂરી મેળવી અને ખાનગી જમીનમાંથી માટી કાઢી

મહુધા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાપલામાં સરપંચ અને ભૂ-માફિયાઓનું વધુ એક માટી કૌભાંડ
  • મહુધામાં રાજકીય જોરે સરપંચ-ભૂ-માફિયાઓ સક્રિય

મહુધાના સાપલામાં ભૂ-માફિયાઓને કોઈનો ડર રહ્યો ન હોય તેમ ગમેતે સ્થળે, ગમેતેની જમીનોમાં ખોદકામ કરી માટી ચોરી રહ્યા છે. “સુજલામ સફલામ” યોજના અંતર્ગત તળાવની મંજૂરી મેળવી સરકારે દલિત પરિવારને આપેલી જમીનમાંથી પરિવારની મંજુરી વગર માટી કાઢીલેતા દલિત પરિવારે ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે.

એક માસ અગાઉ સાપલામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત સરપંચ તલાટીએ તંત્રને ઉલ્ટા ચશ્મા પહેરાવી તળાવની જગ્યાએ 3 વીઘા ઉપરાંત ક્ષેત્રફળ ધરાવતા ગૌચરમાંથી માટી કાઢી 12 ફૂટ ઊંડું તળાવ કરી દેવાયું હતું. જે મામલે ડેપ્યુટી સરપંચ સહીત અન્ય સભ્યો અને ગ્રામજનો દ્વારા મામલતદાર સહીત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. પરંતુ રાજકીય વગ ધરાવતા સરપંચ અને ભૂ-માફિયાની સામે એક માસ વીતવા છતાં કોઈ પાગલ ભરવામાં આવ્યા નથી. બેફામ બનેલા સરપંચ અને ભૂ-માફિયા દ્વારા સરકારી ગૌચર બાદ દલિત પરિવારને સરકાર દ્વારા અપાયેલ જમીનમાંથી બારોબર માટી સગેવગે કરી વધુ એક જમીનમાં તળાવ બનાવી દેવાની ઘટના સામે આવી છે.

સરકારે 1972-73માં જમીન આપી હતી
પિતાએ સરકાર પાસે વાવણી લાયક જમીનની માંગણી કરતા સરકાર દ્વારા વર્ષ 1972-73માં સાપલા ગામના ગૌચર અને તળાવો પાસેની પડતર જમીન ફાળવવામાં આવી હતી. આ જમીનની વચ્ચેથી થોડા વર્ષ અગાઉ માઈનોર કેનાલ આવતા જમીન બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. તેમ છતાં મહેનત મજૂરી કરી ખેતી કરી જમીનમાંથી ઉપજ મેળવી પરિવારનું ગુજરાન ચલાવવામાં આવતું હતું. પરંતુ સરપંચ અને ભૂ-માફીયાઓ દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ સર્વે નં.117 વાળા તાળાવની મંજૂરી મેળવી સરકાર દ્વારા ફળવાયેલ જમીનમાંથી બેરોકટોક પુષ્કળ પ્રમાણમાં માટી કાઢી ઉપજાઉં જમીનને તળાવમાં ફેરવી દેવામાં આવ્યું હતું.> ડાહીબેન હરીજન, સાપલા

​​​​​​​જમીનના દસ્તાવેજ અતિવૃષ્ટીમાં નાસ પામ્યા
થોડા વર્ષ અગાઉ ચોમાસાની અતિવૃષ્ટિને પગલે ડાહીબેનનું માટીનું કાચુ મકાન સદંતર પડી ગયેલ અને તેના પગલે જરૂરી દસ્તાવેજી પુરાવાઓ પણ નાશ પામ્યા હતા. ડાહીબેન હરિજન દ્વારા કરાયેલ લેખિત રજુઆતમાં આસપાસના સર્વે નંબર ધરાવતા ખેડૂતોએ પણ સાક્ષી તરીકે સહી કરી સમર્થન આપ્યું હતું. ત્યારે બેફામ બનેલા અને રાજકીય પીઠબળ ધરાવતા સરપંચ તેમ ભૂ-માફીયા વિરૂધ્ધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...