અમદાવાદ ડાકોર રોડ પર સ્થાનિક વહીવટી તંત્રની આળસના પગલે ઠેર ઠેર લાગેલા વિવિધ પ્રકારના સેવાકેન્દ્રોની બેદરકારીના પગલે યાત્રાળુ માર્ગ પર કચરાના ઢગલાને લઈ પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. ત્યારે સ્થાનિક વહીવટી તંત્રે ફક્ત સોશિયલ મીડિયામાં દેખાડા પૂરતી સેવાકેન્દ્રો પર વિઝીટ કરી હોવાની ચર્ચાએ ગામમાં જોર પકડ્યું હતું.
ફાગણી પૂનમના પગલે અમદાવાદ ડાકોર રોડ પર ઠેર ઠેર નાના મોટા સેવા કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા. જેમાં ચા, પાણી, છાસ, આઈસ્ક્રીમ, નાસ્તો અને જમવા સહીતના અલગ અલગ કેન્દ્રો ખોલાયા હતા. જેમાં ડાકોર પગપાળા જતા યાત્રાળુઓએ સેવા કેન્દ્રો થકી લાભ લીધો હતો. પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સેવા કેન્દ્રો સહિત સરકારી વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા ફક્ત સરકારી ગાડીના ધુમાડા કાઢ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. ઠેર ઠેર ખુલેલા નાના મોટા સેવા કેન્દ્રોને લઈ સમગ્ર રોડ પર કચરો ફેલાયેલો જોવા મળતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.
ખાસ કરીને સેવા કેન્દ્રો દ્વારા વધારાનો એંઠવાડ રોડની ગટરની બાજુમાં જ જેમતેમ નાખી પોતાના બિસ્તરાં પોટલાં સામેટી લીધા હતા. ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ફક્ત જાણે દેખાડા પૂરતી સેવાકેન્દ્રો પર વિઝીટ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સમગ્ર રોડ પર જ્યાં ત્યાં આઈસ્ક્રીમની વાડકીઓ તેમજ ચા પાણીના પેપર કપ સહિત નાસ્તા તેમજ જમવાની ડિસ્પોઝેબલ ડીસઓ વિખેરાયેલ જોવા મળી હતી. ત્યારે માર્ગને વહેલીતકે સાફ કરવામાં આવે અને કચરાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ પ્રકૃતિપ્રેમીઓએ ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.