રોષ:મહુધાના તોરણીયામાં ગટરનું કામ અધૂરું છોડી દેવાતા રોષ

મહુધાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેઠ ઉતાર કામગીરી અંગે ટીડીઓને લેખિત રજૂઆત કરાઈ

મહુધાના તોરણીયામાં 15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂ.1.75 લાખ રૂપિયાની ગટરલાઈનના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં વેઠ ઉતારવાની સાથે અધૂરું કામ છોડી પૂરતા નાણાં મેળવી કોન્ટ્રાકટર રફુચક્કર થતા સ્થાનિકો દ્વારા ટીડીઓ સહિત જિલ્લા કક્ષાએ લેખિત રજુઆત કરવામાં આવી હતી. કામ પૂર્ણ થયા બાદ રસ્તા પર નાના બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓને ચાલવું મુશ્કેલ બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

તોરણીયામા રઈજીભાઈ મણીભાઈ અને પરેશભાઈના ઘરો આગળ ગ્રામ પંચાયત દ્વારા વર્ષ 2021/22ની 15માં નાણાંપંચની રૂ.1.20 લાખ અને રૂ.55 હજારની ગ્રાન્ટમાંથી ગટરલાઈનનુ કામ હાથ ધરવામાં આવ્યું હતું. ગત મહિને કોન્ટ્રાકટર દ્વારા ગટર લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં ગટર લાઈન નાખવા મજબૂત સીસી રોડ તોડી ગટરના ભૂંગળા નાખવામાં આવ્યા હતા. એમાં પણ એક જ રસ્તા પર આવતા ભાગોળથી રઈજીભાઈ મણીભાઈના ઘર તરફ ગટર લાઈન માટે રૂ.1.20 લાખ અને ભાગોળથી પરેશભાઈના ઘર સુધી પણ રૂ.55 હજારના ખર્ચે ગટર લાઈન નાખવાનો ઓર્ડર કરાયો હતો. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા રઈજીભાઈ મણીભાઈના ઘર સુધી ફક્ત ગટરલાઈનના ભૂંગળા નાખવા ખોદકામ કર્યું હતું. પરંતુ રઈજીભાઈ મણીભાઈના ઘર સુધી પણ લાઈન નાખવામાં આવી ન હતી.

જ્યારે બીજી તરફ પરેશભાઈના ઘર આગળ ભૂંગળા નાખવા ખોદકામ પણ કરવામાં ન આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે ગટર લાઈન નાખવા માટે કોન્ટ્રાકટર દ્વારા જેમતેમ ખોદકામ કરવામાં આવતા ગ્રામ પંચાયતના પાણીની પાઈપલાઈનને અનેક જગ્યાએ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જ્યારે કામ પૂર્ણ કર્યા બાદ પણ જેમતેમ પુરાણ કરી કોન્ટ્રાકટર રફુચક્કર થતા સમગ્ર મામલે સ્થાનિકોએ ગત તા.12 ડિસેમ્બર 2022 ના રોજ મહુધા ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તાલુકા પંચાયતના બાબુઓ સ્થળ નિરીક્ષણ કરવા સુધ્ધાં ન ડોકાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...