આક્રોશ:મહુધાના શેખવાડામાં પાણીના પ્રશ્નને લઇ મહિલાઓએ પાલિકાનો ઘેરાવો કર્યો

મહુધા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાના બાળકોએ પણ મહિલાઓ સાથે મળી થાળીઓ ખખડાવીને સત્તાધીશો સામે વિરોધ નોંધાવ્યો

મહુધા નગરના વોર્ડ.2ના શેખવાડા વિસ્તારમાં ઘણા સમયથી ચાલતા પાણીના પ્રશ્ને લઈ સ્થાનિક સભ્ય હાજરબાનું શેખ સહિત મહિલાઓ અને બાળકોએ થાળીઓ ખખડાવી પાલિકાનો ઘેરાવો કર્યો હતો.કોંગ્રેસ શાસિત પાલિકા દ્વારા વહીવટી પ્રક્રિયા સહિત પ્રજાલક્ષી સુવિધાઓને લઈ દિન પ્રતિદિન પ્રશ્નો ઉદભવી રહ્યા છે. ગત ફેબ્રુઆરી માસમાં સત્તાધીશો દ્વારા મનસ્વી રીતે સુનિયોજિત આયોજન કરી કલસારિયા તળાવ ખાલી કરી દેવાયું હતું. બાદમાં સભ્યોનો વિરોધ હોવા છતાં સરક્યુલર ઠરાવ કરી તળાવ સુજલામ સુફલામ યોજનામાં મુકવા બાબતનો વિવાદ હજુ થમ્યો નથી.

ત્યારે સત્તા પક્ષના જ વોર્ડ.2ના આરોગ્ય સમિતિના ચેરમેન હાજરબાનું શેખે પાણીની સમસ્યાને પગલે સ્થાનિક મહિલાઓ અને બાળકોને સાથે રાખી પાલિકાનો ઘેરાવો કર્યો હતો. તેઓના જણાવ્યા પ્રમાણે ફીણાવ ભાગોળ વોર્ડ.2ના શેખવાડા વિસ્તારમાં રહેતા 40 જેટલા પરિવારોને છેલ્લા દોઢ વર્ષથી પાણી માટે જ્યા ત્યા વલખા મારવાની વારી આવી છે.

આખરે ના છૂટકે બાળકોને સાથે રાખી સત્તાધીશોને ઊંઘમાંથી જગાડવા થાળીઓ ખખડાવી પાલિકાનો ઘેરાવો કરી ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઘુસી ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખને આડે હાથ લીધા હતા. જ્યારે બીજી તરફ નવીન બોર બનાવવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હોવાનું કહી સત્તાધીશોએ પોતાની નિષ્ફ્ળતા છુપાવવા લૂલો બચાવ કર્યો હતો. દરવખતે સત્તાધીશો દ્વારા પાણી બાબતે જુદા-જુદા બહાના બતાવવામાં આવે છે. જેને લઈ મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો હતો.

રજૂઆત કરતાં પાણી તો મળ્યું પણ દુર્ગંધયુક્ત આવે છે
ગટર અને પાણીનું કનેક્શન એક થઈ ગયું છે છેલ્લા દોઢ વર્ષથી આ પ્રશ્ન છે. આ અંગે 6થી 7 વાર પાલિકામાં રજુઆત કરવા આવ્યા છીએ. રજૂઆત કરીને જઈએ તેના બીજા દિવસે પાણીની ટેન્કર મોકલી સંતોષ માનવામાં આવે છે. પરંતુ પાણીને ઉકાળીને પીવા માટે ઉપયોગમાં લેવા છતાં દુર્ગંધ મારતું હોય છે. જેથી વિવિધ બિમારીઓનો ભોગ સ્થાનિક લોકો બની રહ્યાં છે. > રહિમાબેન મલેક, સ્થાનિક રહીશ

અન્ય સમાચારો પણ છે...