આપદા:મહુધા પંથકમાં ખેતવપરાશની વીજળી રાત્રે જ અપાતા રોષ

મહુધા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે ઠંડીમાં પાણી વાળવા મજૂરો મળતા નથી
  • કપરૂપૂરના ડેપ્યુટી સરપંચની દિવસે વીજ પુરવઠા આપવા રજૂઆત

મહુધા પંથકમાં વીજ વિભાગ દ્વારા ઠંડીના સમયમાં ખેતી માટે આપવામાં આવતો વીજ પુરવઠો દિવસની જગ્યાએ રાત્રીના સમયે આપવામાં આવતા કપરુપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દ્વારા સ્થાનિક ધારાસભ્યને યોગ્ય કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

મહુધામાં રૂપપુરા અને વાસણા એજી ફીડરમાં આવતા ગામોમાં વીજ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી દિવસની જગ્યાએ રાત્રીનો સમય કરવામાં આવ્યો હતો. જેને લઈ ખેડૂતોને ઠંડીના સમયમાં પાક માટે રાત્રીના સમયે પાણી લેવાની ફરજ પડી હતી. જ્યારે મોટાભાગે ખેડૂતો ભાડેથી માણસ રોકી પાકમાં પાણી લેતા હોય છે. ત્યારે રાત્રીની કડકડતી ઠંડીમાં પાણી વાળવાના ડબલ નાણાં આપવા છતાં ખેડૂતોને માણસો મળતા નથી. જેથી ખેડૂતોમાં પાક નુકશાની થવાનો ભય ફેલાયો હતો.

ખેડૂતોની સમસ્યાને ધ્યાને લઈ કપરૂપૂર ગ્રામ પંચાયતના મહિલા ડેપ્યુટી સરપંચ કપિલાબેન અલ્પેશકુમાર વાઘેલાએ સ્થાનિક ધારાસભ્ય સંજય સિંહ મહિડાને લેખિત રજૂઆત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોને આઠ કલાકની વીજળી દિવસ દરમ્યાન આપવાનો આદેશ કર્યો હતો. પરંતુ વીજ વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી દિવસની જગ્યાએ વીજ પુરવઠો રાત્રીના સમયે આપવામાં આવતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા હતા. જેને લઇ ખેડૂતોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.

આ અંગે મહુધા જેટકોના જુનિયર એન્જિનિયર વી.એમ.પાલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ઉપલી કક્ષાએથી સિડ્યુલમાં ફેરફાર કરાયા છે. જ્યારે બીજી તરફ ખેત વપરાશનો વીજ પુરવઠાનો પ્રશ્ન મહુધા સહિત સમગ્ર ખેડા જિલ્લામાં પરિસ્થિતિ હોવાની વાત સામે આવી છે. ત્યારે ચૂંટણી પૂર્ણ થતા જ સરકારે ખેડૂતોને હાથેળીમાં ચાંદ દેખાડ્યો હોવાનો ઘાટ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...