કામગીરી અટકાવી:કુમકોતરમાં તદ્દન હલકીકક્ષાના મટિરિયલ વપરાશ ગરીબોના પાકા ઘરનું સ્વપ્ન કાચું રહી જવાનો ભય

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુણવત્તા ન જળવાતા ટ્રાઇબલ સબપ્લાન યોજના હેઠળ બની રહેલા 19 આવાસનું કામ અટકાવાયું

કુમકોતર ગામે ટ્રાઈબલ સબ પ્લાનની યોજનામાંથી બની રહેલા આવાસમાં કામ કરનાર એજન્સીએ હલ્કી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે લાભાર્થી અને ગામના આગેવાનોએ કામગીરી અટકાવી હતી. મહુવા તાલુકાના કુમકોતર ગામે ટ્રાઈબલ સબ પ્લાનની યોજનામાંથી 19 જેટલા આવાસ મંજુર થયા હતા.

જે આવાસ મજૂર થતા અને કામગીરી શરૂ થતા જ લાભાર્થીઓ ખુશ થઈ ગયા હતા. પરંતુ કામ કરનાર એજન્સીએ આવાસ નિર્માણ માટે હલ્કી કક્ષાનુ મટીરીયલથી બાંધકામ શરૂ કર્યુ હોવાનું લાભાર્થીઓને લાગતા નિરાશા ફેલાઈ ગઈ હતી. આ અંગે તેમણે કામ કરનાર એજન્સીનુ ધ્યાન દોરવા છતા એજન્સી દ્વારા કામગીરી અટકાવવની જગ્યાએ ઝડપભેર કામ શરૂ કર્યું હતું. બે થી ત્રણ આવાસ બનાવી દીધા હતા. ત્યારબાદ આ આવાસ નિર્માણમા હલ્કી કક્ષાની ઈંટ વપરાતી હોવાના આક્ષેપ સાથે કેટલાક ગરીબ લાભાર્થીઓએ ગામના આગેવાનોને આ અંગે વાત કરી હતી.

જેને લઈ બુધવારે કુમકોતર ગામના આગેવાનો સ્થળ તપાસ કરી આવાસ નિર્માણમા વપરાતા હલ્કી કક્ષાના મટીરીયલ અંગે ગામના સરપંચનુ ધ્યાન દોરી કામગીરી અટકાવી હતી. લાભાર્થી અને ગામના આગેવાનોએ કામગીરી અટકાવતા ત્વરિત કુમકોતર ગામના સરપંચ ઘટના સ્થળે આવી આવાસનુ નિર્માણ કરતી એજન્સીને ઘટના સ્થળે નાખેલ તેમજ ઈંટ તેમજ અન્ય મટીરીયલ બદલવાની અને ફરીવાર આવા મટીરીયલનો ઉપયોગ નહી કરવાની મૌખિક સૂચના આપી હતી. સારી ગુણવત્તા વાળુ મટીરીયલ મંગાવી કામગીરી શરૂ કરવા જણાવ્યુ હતુ.

હાલ કુમકોતર ગામે આવાસ નિર્માણની કામગીરી તો અટકી ગઈ છે. પરંતુ આ મુદ્દે જવાબદાર અધિકારીઓ ગંભીર બાબતને ધ્યાને લઈ તપાસ હાથ ધરી કામ કરનાર એજન્સી સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરે એવી માગ લાભાર્થીઓ કરી છે. ગરીબ લાભાર્થીઓને આવાસની સુવિધા મળતી હોય, પરંતુ અધિકારીઓની નિષ્ક્રિયતાના ભોગે એજન્સીઓ મટીરીયલ માં કોભાંડ આચરતી હોય છે.

એજન્સી માટીની ઈંટની જગ્યાએ ફ્લાયએસની ઇંટ વાપરતી હોવાની રાવ

આવાસમાં વપરાતી ઇંટોના સેમ્પલ ઈંટ ઉત્પાદક અને ઈંટોના એક્સપર્ટ બતાવતા તેમણે આ ઈંટ ફ્લાય એસમાંથી બનેલ હોવાનુ જણાવ્યુ હતુ.આ ફલાય એસથી બનતી ઈંટ માટીમાંથી બનતી ઈંટ કરતા બે થી ત્રણ રૂપિયા સસ્તા ભાવે મળે છે. જેથી 4000 નંગની માટીની ઈંટની ગાડીની જગ્યાએ ફલાય એસ ઈંટની ગાડી મંગાવવાથી સીધા 8થી 10 હજાર રૂપિયા બચે છે.

આવાસ દીઠ 1.40 લાખ ફાળવાયા છે
કુમકોતર ગામે ટ્રાયબલ સબ પ્લાનની યોજનામાંથી 19 જેટલા આવાસ મંજૂર થયા છે. એક આવાસ માટે 1.20 લાખ મટીરીયલ અને 20 હજાર મજૂરી મળી કુલ 1,40,000 રૂપિયા ફાળવવામાં આવે છે. હાલમાં ત્રણ જેટલા આવાસ હાલ બની ગયા છે. ત્યારે હલ્કીકક્ષાના મટીરીયલથી બની ગયેલ આવાસની ગુણવત્તા સામે પણ અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા છે.

સ્થળ પર જઈ કામગીરી અટકાવી છે
આવાસ નિર્માણમા હલ્કી કક્ષાની ઈંટ વપરાતી હોવાની ફરિયાદ મળતા ત્વરિત સ્થળ પર જઈ ચકાસણી કરી હતી. જેમાં ઈંટ પાકી હતી. પરંતુ કલર અલગ હતો. જેથી એજન્સીને ફરી આવાસ બનાવવામા આ ઈંટનો ઉપયોગ કરવો નહિ જણાવી, નવી સારી ઈંટ આવ્યા બાદ જ કામગીરી શરૂ કરવા જણાવ્યુ હતુ. -રાજેશભાઈ પટેલ, સરપંચ, કુમકોતર

અન્ય સમાચારો પણ છે...