મહુધા નગરમાં બુધવારે બપોરના બે વાગ્યાના અરસામાં એકસ આર્મી જવાન ઈનાયતખાન મહેબૂબખાન પઠાણ પોતાની દીકરીને ટ્યુશનમાં મૂકીને ઘરે પરત ફરતા હતા. ત્યારે બજારમાં કેટલાક યુવકોનુ બાઈક આર્મી જવાનના બાઈકને અડી જતા ગાળાગાળી થઈ હતી.
આ બોલાચાલી ઉગ્ર થતા આસપાસના દુકાનદારોએ સમગ્ર મામલો થાળે પાડી યુવકો અને જવાનને છુટા પાડ્યા હતા. બાદમાં સાંજે પાંચ વાગ્યાની આસપાસ ઈનાયત પઠાણ પોતાની દીકરીને ટ્યુશનથી પરત લેવા ગયા હતા. ત્યાં શહેરના સ્વામિનારાયણ મંદિર પંડ્યાના ઝાંપા પાસે બપોરમાં ઝઘડો થયેલ યુવક અને અન્ય ત્રણ જેટલાં યુવકો બેઝ બોલ અને હોકીના ડંડા લઈને ઉભા હતા.
જ્યાં ઈનાયત પઠાણ કઈ સમજે તે પહેલા ચારેય યુવકો બેઝ બોલ અને હોકીના ડંડાથી મારવા ફરી વળ્યાં હતા. આસપાસના લોકો આવી જઈ તેને વધુ મારથી બચાવી લીધા હતા. અને તેમને તાત્કાલિક ખાનગી વાહનમાં ખાનગી દવાખાને સારવાર હેઠળ ખસેડયા હતા. ઘટનાની જાણ નગરમાં વાયુવેગે પ્રસરતા બજારની દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી.
સ્થાનિક પોલીસ સહિત જિલ્લાની એજન્સીઓએ નગર પોલીસ છાવણીમાં ફેરવી દીધું હતું. ત્યારે મહુધા પોલીસે ઈનાયતખાન પઠાણની ફરિયાદના આધારે નગરના પાર્થ પટેલ સહિત ચાર યુવકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ હુમલો કરનાર ચાર યુવકો પોલીસ પકડથી દૂર છે.
અગાઉ ખંજર સાથેનો વિડિયો વાયરલ થયો હતો
અગાઉ બજારમાં સામાન્ય બાઈક અડવા મામલે અેકસ આર્મી જવાન ઈનાયતખાન પઠાણ ભર બજારમાં ખંજર કાઢી યુવકોને ધમકાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.