લોકોમાં ભારે રોષ:મહુધા CHCની નમી ગયેલ દિવાલ પાસેના ગેરકાયદે દબાણ નહીં હટે તો ચોમાસામાં મોટી હોનારતનો ભય

મહુધાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1995માં દિવાલ પડવાથી 4 લોકોના મોત થયા હતા, વરસાદ પહેલાં દબાણો હટાવવા જરૂરી

મહુધા સામુહિક આરોગ્ય કેન્દ્રની દીવાલને અડીને 15 ઉપરાંત ગેરકાયદેસર છાપરા બાંધી રહેણાંક મકાન બનાવવામાં આવ્યા છે. દિવાલની પડવા જેવી હાલત થઈ ગઈ હોવા છતા, CHC દ્વારા દબાણ દૂર કરવા પાલિકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરી હોવા છતા કોઇ નક્કર પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

મહુધા સામુહિક આરોગ્ય કેન્દ્રની દીવાલને અડીને 15 થી વધુ છાપરા બાંધી લોકો વસવાટ કરી રહ્યા છે. વર્ષ 1995ની સાલમાં CHCની દિવાલ પડવાથી ત્યાં રહેતા 4 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. તે સમયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાબડતોડ દીવાલને અડીને અન્ય દબાણ પણ હટાવી દેવામાં આવ્યા હતા.

પરંતુ ઘટના બાદ જેમ સમય વીતતો ગયો તેમ વધુ એક વખત પાલિકાના બાબુઓની રહેમનજર હેઠળ દબાણકારોનો રાફડો ફાટી નિકળ્યો છે. છેલ્લા ઘણા સમયથી CHCની દીવાલ દિન પ્રતિદિન ગેરકાયદેસર રહેણાંક મકાનો તરફ નમી રહી છે. જેના પગલે મહુધા CHC વિભાગ દ્વારા વારંવાર પાલિકા સહિત જિલ્લા કક્ષાએ દબાણ હટાવવા લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્રની આંખો ખુલતી નથી.

ચોમાસા ટાણે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોઈ પણ સમયે નમી ગયેલ દીવાલ પડી જવાની શક્યતા રહેલી છે. જેના પગલે ચોમાસા પહેલા દબાણ હટાવવામાં આવે તો મોટી હોનારત થતી અટકાવી શકાય છે. આમ સત્વરે પાલિકા દ્વારા દબાણકારોને નમી ગયેલ દીવાલ આગળથી હટાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...