મહુધા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સત્તા અને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરી પોતના ઘર આંગણે પેવર બ્લૉક નાખતા જાગૃત નાગરિક દ્વારા વિજિલન્સ કમિશ્નરને લેખિત રજૂઆત કરતા ચૂંટણી ટાણે પંથકમાં હડકંપ મચી જવા પામ્યો હતો.મહુધાના જાગૃત નાગરિક પ્રવિણચંદ્ર ભાવસાર દ્વારા મહુધા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે વિજિલન્સ કમિશ્નરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મહિલા પ્રમુખે સત્તાનો દુરુપયોગ કરી સરકારી ગ્રાન્ટમાંથી પોતાના ઘર આંગણે પેવર બ્લોક નાખવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરાયો હતો.
વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખ હજાર રહેતા નથી. અને તેઓની જગ્યાએ તેઓના પતિ રાયસીંગભાઈ પ્રમુખની ચેમ્બરમાં પ્રમુખની ખુરશીમાં બેસી વહીવટ કરે છે. તેમજ કોન્ટ્રાક્ટર પાસે ટકાવારી લેતા હોવાનો પણ આક્ષેપો અરજીમાં લગાવવામાં આવ્યા હતા. ત્યારે ચૂંટણી ટાણે જ ભાજપના તાલુકા પંચાયત પ્રમુખની સામે વિજિલન્સ કમિશ્નરને લેખિત રજૂઆત કરી હોદ્દા પરથી દૂર કરવા માગ કરવામાં આવી હતી. અરજદાર દ્વારા તટસ્થ તપાસ કરી સત્તાનો દુરુપયોગ કરનાર સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
બ્લૉક નાખવા સરકારી નાણાં નથી વાપર્યા
આ મામલે મહુધા તાલુકા પંચાયત પ્રમુખના પતિ રાયસીંગભાઇ પરમારનો સંપર્ક સાધતા તેમણે ઘર આંગણે બ્લૉક નાખવામાં સરકારી નાણાંનો ઉપયોગ નથી કર્યો. સરકારી નાણાં વાપર્યા હોય તે વાત તદ્દન ખોટી હોવાનુ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.