પર્યાવરણ જાગૃતિનું અનોખું અભિયાન:દેશમાં 20 હજાર કિ.મી.ના સાયકલ પ્રવાસે નીકળેલી યુવતીનું કપડવંજમાં સ્વાગત; ભારત વિકાસ પરિષદ દ્વારા ગુલાબની પાંખડીઓથી વર્ષા કરાઈ

કપડવંજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહિલા સશક્તિકરણ, જળ સંરક્ષણ અને પર્યાવરણના રક્ષણના ઉદ્દેશથી મધ્યપ્રદેશની દીકરી 300 દિવસના સાયકલ પ્રવાસે નીકળી છે. ત્યારે, નારી સુરક્ષા, મહિલા સશક્તિકરણ, જળ સંરક્ષણ અને પર્યાવરણનું રક્ષણ કરવાના ઉદ્દેશથી મધ્યપ્રદેશના એક નાના નાટારામ ગામની 24 વર્ષીય ગ્રેજ્યુએટ થયેલી યુવતી આશા માલવીયનું કપડવંજમાં આગમન થયું હતું. જે પ્રસંગે ટાઉનહોલ ખાતે ભારત વિકાસ પરિષદ કપડવંજ શાખા દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તા.1 નવેમ્બરના મધ્યપ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે ભોપાલથી પ્રારંભ કરવામાં આવેલા આશા માલવીયાના આ સાયકલ પ્રવાસને મધ્યપ્રદેશના પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી ઉષા ઠાકુરે પ્રવાસન બોર્ડના પ્રમુખ શિવ શંકર શુક્લા, વિવેક શ્રોત્રિય, ઉમા કાન્ત ચૌધરીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.

સમગ્ર ભારત દેશમાં 28 રાજ્યોમાં, 300 દિવસમાં 20,000 કિમીનો પ્રવાસ કરી આ સાયકલ પ્રવાસ દિલ્લીમાં પૂર્ણ થશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓએ કોઈપણ ક્ષેત્રમાં જતા ગભરાવવું જોઈએ નહીં, હિંમત અને હોંસલો બુલંદ રાખવો જોઈએ. વધુમાં તેઓએ દેશમાં સૌને પોતાનો સ્વાર્થ, પોતાના પરિવારની ચિંતા છે. પણ આપણે સૌએ સાથે મળી પર્યાવરણ અને પાણી બચાવવા માટે સહિયારો પ્રયત્ન કરવો જોઈએ તેમ જણાવ્યું હતું. સમગ્ર દેશમાં હું એકલી સાયકલ પ્રવાસ પૂર્ણ કરીશ ત્યારે એ સાબિત થઈ જશે કે, દેશમાં મહિલાઓ એકલી ગમે ત્યાં ફરી શકે છે અને સુરક્ષિત છે. તેમ તેઓએ ઉમેર્યું હતું.

અત્રે ખાસ નોંધનીય છે કે, આ સાહસિક યુવતી આશા નેપાલ - ભૂતાન - બાંગ્લાદેશની સીમા પર આવેલ તેનજિંગ ખાન ( 19545 ફુટ ) તથા બીસી રાય ( 20500 ફુટ ) જેવા બરફથી ઘેરાયેલા પહાડોની ટોચને સર કરી ભારતનો તિરંગો લહેરાવી ચુકી છે અને આ માટે તેનું નામ દેશની નેશનલ બુક ઓફ રેકોર્ડ OMG બુકમાં સ્થાન પામેલુ છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સુરેશ પારેખ, ઉપપ્રમુખ રાહુલ પરમાર, નિલેશ પટેલ, સહમંત્રી શાંતિલાલ પ્રજાપતિ, વિનસ જયસ્વાલ, વિપુલ પટેલ, જે.ડી‌. પટેલ,ગોપાલ શાહ, દિપકભાઈ તલાટી, દીનેશભાઇ પટેલ, ભાવેશ પટેલ, યોગેશ પટેલ, અશ્વિન સોનેરી, અમીત વૈધ, સંજય પટેલ સહિત સૌએ ગુલાબની પાંખડીઓથી વર્ષા કરી બુકે આપી સ્વાગત સાથે સન્માન કર્યું હતું. અને તેમની સમાજ ઉપયોગી પ્રવૃત્તિને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ તબક્કે, અભિનંદન સાથે યાત્રાનો ઉદ્દેશ અને પ્રવાસની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...