કપડવંજ તાલુકાના તેલનાર ગ્રામ પંચાયતના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાનો સામનો રહીશોને કરવો પડી રહ્યો છે. ગામમાં આવેલા વોર્ડ નંબર 5 અને 7 ના 100 જેટલા મકાનોના લોકોને અઠવાડિયામાં એક જ વાર પાણી મળે છે. ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા આ સમસ્યાનો જલ્દી ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે.
તેલનાર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5 અને 7માં ઘણા સમયથી પાણીનો પ્રશ્ન ચાલી રહ્યો છે. આ અંગે ત્યાંના રહીશ નિકુંજભાઈ પટેલના જણાવ્યા મુજબ ઘણા સમયથી આ વોર્ડના અંદાજે 100 જેટલા મકાનોના લોકોને પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં રહેતા નાગરિકોએ લાંબી લાંબી નળીઓ અને પાણીની ઇલેક્ટ્રિક મોટર માટે વાયર રસ્તામાં લાંબા કરી અન્ય જગ્યાઓથી પોતાના ઘરે પાણી ભરવું પડે છે. તેમાં પણ અઠવાડિયામાં માંડ એક વાર પાણી મળે છે. જેમાં રસ્તામાં નાના બાળકો પણ રમતા હોવાથી ઇલેક્ટ્રિક વાયરોના કારણે અકસ્માત પણ સર્જાવાનો ભય છે.
આ તમામ બાબતોની તલાટી, સરપંચ અને વોર્ડ નં 7ના સભ્યને પણ બે મહિના અગાઉ લેખિતમાં જાણ કરવામાં આવી છતાં તંત્ર હજુ કોઈ અકસ્માત થવાની રાહ જોઈને બેઠું હોય તેમ પાણીના પ્રશ્નનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતના કેટલાક વિસ્તારમાં પાણી માટે અતિવૃષ્ટિ જેવો માહોલ છે. જ્યારે અમુક વિસ્તારમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. જો યોગ્ય આયોજન કરવામાં આવે તો આ વિસ્તારમાં પણ પાણીનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે.
પાણીનું સ્તર નીચું જવાના અને જૂના બોરને કારણે પાણી ધીમુ આવે છે
આ વિસ્તારના બોર ઘણા જૂના થઈ ગયા હોવાથી અને પાણીનું સ્તર નીચું જવાથી પાણી ધીમુ આવે છે. આ પ્રશ્નોના નિકાલ માટે પાણી પુરવઠા દ્વારા બોર બનાવવામાં આવ્યો છે. અને ટૂંક સમયમાં ટેસ્ટિંગ કરીને બોર ચાલુ કરી દેવામાં આવશે. - ઉર્મિલાબેન ઝાલા, સરપંચ, તેલનાર ગ્રામ પંચાયત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.