જાગૃત મતદારની વિનંતી:કપડવંજ ચૂંટણીને લઈ સો.મી.માં જાગૃત મતદારોનો મત શરૂ; સળગતી સમસ્યાઓને ઉકેલી આપે તેને મત આપવો- મુકેશ વૈદ્ય

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

120 કપડવંજ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં જાગૃત મતદારોનો મત શરૂ થઈ ગયો છે. જેમાં કપડવંજની સળગતી સમસ્યાઓને ઉકેલી આપે તેને મત આપવા જાગૃત મતદાર મુકેશ વૈદ્યે વિનંતી કરી હતી.

મત માગવા આવનાર ઉમેદવારને સમસ્યા ઉકેલવા વિનંતી કરશો
કપડવંજ 120 વિધાનસભા મત ક્ષેત્રના સૌ જાગૃત મતદારોને મુકેશ વૈદ્યે એક અપીલ કરી હતી જેમાં, તેમણે કહ્યું હતું કે, આપ કોઈપણ રાજકીય પાર્ટીના સમર્થકો હો અથવા તો કોઈ પણ રાજકીય પાર્ટીની વિચારધારાને વરેલા હો, પરંતુ કપડવંજ તાલુકાને લાગે વળગે છે ત્યાં સુધી આપ સૌ કપડવંજની ચિંતા કરી મત માગવા આવનાર ઉમેદવારને સ્પષ્ટ પણે સળગતી સમસ્યાઓને ઉકેલવા માટે વિનંતી કરશો અને વચન લેશો. કપડવંજ તાલુકો રાજકીય રીતે અને ઔદ્યોગિક રીતે તેમજ તમામ સવલતો બાબતે સબળ નેતૃત્વના અભાવને કારણે હાસીયામાં ધકેલાઈ ગયું છે.

સળગતા સવાલો...!

વ્યવસ્થા વાળી આરોગ્યની હોસ્પિટલ આપો
આરોગ્યની બાબતમાં કપડવંજમાં સરકારી રીતે પૂર્ણ સવલત ધરાવતી પ્રજાને અમદાવાદ સુધીના ધક્કા ન ખાવા પડે તેવી MRI, CT સ્કેન સોનોગ્રાફી સહિતની સાથે સંપૂર્ણ રીતે કહેવાય તેવી પેથોલોજી લેબ વાળી અને સર્જન, MD ફિઝિશિયન, ગાયનેક વોડૅ ધરાવતી સરકાર તરફથી મળતા આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકાય તેવી વ્યવસ્થા વાળી આરોગ્યની હોસ્પિટલ આપો.

શૈક્ષણિક સુવિધાઓથી તાલુકો વંચિત
શૈક્ષણિક ક્ષેત્રમાં ધોરણ 10 અને 12 પછી વિવિધ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં અભ્યાસ કરવા માટે તથા અનેકવિધ MBA, MCA ટાઈપના કોર્સ કરવા બહાર જતા વિદ્યાર્થીઓને ખર્ચાના ખાડામાં ઉતરી જવું પડે છે. ત્યારે કપડવંજ તાલુકો આ કામ માટે સક્ષમ હોવા છતાં આવી શૈક્ષણિક સુવિધાઓથી તાલુકો વંચિત છે. ત્યારે આ પ્રકારના સરકારી સંકુલો ઉભા થાય તે માટે વચન આપો.

રમતોનું માર્ગદર્શન મળી શકે તે પ્રકારની એકેડેમી હોવી જોઈએ
કપડવંજમાં સ્પોર્ટ સંકુલો ટીચર સહિતની સુવિધા વાળું કેમ ના હોય? જેને કારણે ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકે તેવા તથા જિલ્લા, રાજ્ય અને નેશનલ લેવલે રમાતી રમતોનું માર્ગદર્શન મળી શકે તે પ્રકારની એકેડેમી હોવી જ જોઈએ.

કારણ શોધી સરકારે નિવારણ કરવું જોઈએ
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌથી મોટો પ્રશ્ન રોજગારીનો છે, જેને માટે કપડવંજમાં વર્ષો જૂની ખખડધજ GIDCનો વિસ્તાર વધારી તેમાં સવલતો વધારી સારા મોટી રોજગારી આપી શકે તે પ્રકારના ઉદ્યોગોનું સ્થાપન થવું ખૂબ જરૂરી છે. જેને કારણે કપડવંજ તાલુકાના શ્રમિક વર્ગ સાથેના યુવાનો બહેનો તથા શિક્ષિત ભાઈઓને પણ રોજગારી મળી શકે. ખરેખર આ એક મોટો પ્રાણ પ્રશ્ન છે. GIDC તરફ ધ્યાન આકર્ષિત ન થવાને કારણે બધા જ ઉદ્યોગો અમદાવાદ જેવા વિસ્તારોમાં સ્થિર થાય છે. ત્યારે તાલુકાઓમાં ઉદ્યોગો કેમ નથી આવતા? તેનું કારણ શોધી સરકારે નિવારણ કરવું જોઈએ.

કર્મચારીઓએ કડકાઈ દાખવવી જોઈએ
નર્મદાની મુખ્ય કેનાલ કપડવજને અડકીને જતી હોય ત્યારે કપડવંજના પૂર્વ ગાળામાં પાણીની કેમ બૂમો ઊઠે છે. તે પણ જોઈ વિચારી તકલીફોનો અંત લાવવો જોઈએ સાથે કપડવંજ નગરપાલિકામાં પાણીનો પુરવઠો દર બે દિવસે આપવામાં આવે છે. જેને કારણે ગૃહિણીઓએ બહારગામ જવાનું તથા બહારગામથી આવવાનું શિડ્યુલ નક્કી કરવું પડે છે અને પાણી ક્યારે આવશે તેની ચિંતા કરી ફરવા જવાનું પણ મેનેજ કરવું પડે છે. આ તકલીફોને દૂર કરવા માટે દરરોજ પાણી આપવું જોઈએ. પાણીનો બગાડ ન થાય તે માટે આયોજન કરી નગરપાલિકાના વોટર વર્કસ વિભાગના કર્મચારીઓએ કડકાઈ દાખવવી જોઈએ. જો નગરજનો ટેક્સ આખા વર્ષનો ભરતા હોય તો પાણી અડધું વર્ષ કેમ આપવામાં આવે?

પ્રજાનું રક્ષણ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ
કપડવંજમાંથી પસાર થતા ધોરીમાર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ અનહદ કહી શકાય તે પ્રકારે વધી ગયું છે. ત્યારે આ રસ્તાઓ ઉપર શાળા અને કોલેજો પણ આવેલી છે. આ ઉપરાંત પ્રાથમિક શાળાના નાના બાળકો સાયકલો લઈને આવતા જતા હોય છે. ત્યારે અકસ્માતોની પરંપરા સર્જાય છે. આ ઉપરાંત વાણિજ્ય કોમ્પલેક્ષ અને બેંકો પણ આ જ વિસ્તારમાં આવેલી હોવાથી ગ્રાહકોમાં ગૃહિણીઓ અને વૃદ્ધો મોટી સંખ્યામાં આવન જાવન કરતા હોય છે. ત્યારે અકસ્માતનો ભય રહેવા પામે છે. સાથે દબાણો તો ખરા જ જેને નાથવા વોટબેંક વાળા તૈયાર હોતા નથી. આ સમસ્યાના નિવારણ માટે ઓવર બ્રિજ અથવા તો અન્ય કોઈપણ વૈકલ્પિક માર્ગ વિચારી પ્રજાનું રક્ષણ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.

પ્રશ્નનો જો નિકાલ કરવામાં આવે તો કપડવંજનો વિકાસ ખૂબ ઝડપી બને
વર્ષોથી લટકી રહેલો કેન્દ્રનો પ્રશ્ન રેલવે આ સુવિધા જો સુધરે તો કપડવંજમાં ઔદ્યોગિક વિસ્તારનો ઘણો જ વિકાસ થઈ શકે તેમ છે, તથા કપડવંજથી દિલ્હી સુધીનો માર્ગ આપણા માટે સરળ થઈ જાય તેમ છે. આ પ્રશ્નનો જો નિકાલ કરવામાં આવે તો કપડવંજનો વિકાસ ખૂબ ઝડપી બને તેમ છે. ત્યારે આ પ્રશ્નનો નિકાલ કરવા માટે આ તો કેન્દ્રનો પ્રશ્ન છે તેમ કહી ખંખેરી નાખતા નેતાઓને પણ કહી શકાય કે તમે આગેવાની કેમ ના લઈ શકો. અને છેલ્લે ખૂબ સારા પ્રયત્નોને કારણે કપડવંજને સેશન કોર્ટ મળી છે. ત્યારે, કપડવંજમાં સબજેલ હોવી ખૂબ જરૂરી છે. જેને કારણે નડિયાદ બિલોદરા સુધી જવું પડે છે તે ન જવું પડે અને કપડવંજમાં જ રહેવાને કારણે ધરમધક્કાથી બચી શકાય.

મતદારોને અપીલ કરી
આ સાથે જ મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે, આપ કોઈપણ પક્ષમાં માનતા હો પરંતુ કપડવંજનો હિત વિચારી જ્ઞાતિ, જાતિ અને ધર્મ બાજુ ઉપર રાખી આ એક તક આપને મળી છે. ત્યારે વિચારજો અને મક્કમપણે રજૂઆત કરજો જેથી તમારી આવનારી પેઢી માટે ઉપયોગી બની શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...