ખેડા જિલ્લા આરોગ્ય વિભાગની લાલીયાવાડી:3 માસથી કરાર આધારિત કર્મીઓનો પગાર ન ચૂકવાતાં હલ્લાબોલ

કપડવંજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય સભામાં કોન્ટ્રાક્ટને બ્લેક લિસ્ટ કરવાનો ઠરાવ, છતાં કોન્ટ્રાક્ટ ચાલુ

ખેડા જિલ્લા પંચાયત સંચાલિત આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓને 3 મહિનાથી પગાર નહીં મળતાં કર્મચારીઓ દ્વારા હવે ઉઘરાણી શરૂ કરાઈ છે. દર બે દિવસે કરાર આધારિત કર્મચારીઓ આરોગ્ય અધિકારીની કચેરી બહાર પહોંચી જાય છે, જ્યા પગાર માટે હલ્લાબોલ કરવામાં આવી રહ્યા છે. જોકે દર વખતી જેમ આ કર્મચારીઓને થોડા દિવસમાં પગાર મળી જશે નો લોલીપોપ આપી રવાના કરવામાં આવે છે. મહત્વની વાત છેકે બ્લેક લિસ્ટમાં મુકાયેલ કંપનીના નેજા હેઠળ હજુ પણ કર્મચારીઓ પાસેથી કામ લેવાઈ રહ્યા છે, ત્યારે આ કંપની કર્મચારીઓને વળતર ચુકવશે કે કેમ તેની ચિંતા કર્મચારીઓમાં વ્યાપી છે.

ખેડા જિલ્લાની સરકારી કચેરીઓમાં કાયમી કર્મચારીઓના બદલે કરાર આધારિત કર્મચારીઓની ભરતીનો સિલસિલો ચાલ્યો છે. જે મુજબ ખેડા જિલ્લા પંચાયતની મોટાભાગની શાખાઓમાં ડી બી એન્ટર પ્રાઈઝના નામની કંપની હસ્તક કરાર આધારિત કર્મચારીઓની ભરતી થઈ રહી છે.

તાજેતરમાં આ કંપનીને બ્લેક લિસ્ટ કરવાનો ઠરાવ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કરવામાં આવ્યો હતો. જે બાદ કંપનીના કરાર હસ્તકના કર્મચારીઓને પગાર મળવાનું બંધ થઇ ગયું છે. તમામ કર્મચારીઓ હરરોજ આરોગ્ય વિભાગની જુદી જુદી શાખા માં કામ કરવા આવે છે, હાજરી પુરે છે, કામ પૂર્ણ કરે છે. પરંતુ જ્યારે મહિનો પૂરો થાય ત્યારે કર્મચારીઓને પગાર મળી રહ્યો છે. સતત 3 મહિનાનો પગાર નહીં મળતાં હવે કર્મચારીઓની ધીરજ ખૂટી છે.

30 હજાર લઈ હજુ કરાર આધારિત કર્મચારીઓની નિમણૂંક થાય છે?
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ જિલ્લા આરોગ્ય વિભાગના મોટા માથાઓ દ્વારા રૂ.30 હજારનો વ્યવહાર લઈ બ્લેક લિસ્ટેડ કંપની હસ્તક તાજેતરમાં 2 કર્મચારીઓને આજ કંપની હસ્તક નોકરી આપવામાં આવી છે. ત્યારે રૂપિયા આપી નોકરી મેળવનાર કર્મચારીઓને નોકરી નહી મળતા આગામી દિવસોમાં કંપની અને જિલ્લા પંચાયતનો ભાંડો ફુટે તો નવાઈ નહી.

પ્રમુખના સબંધીની કંપની હોય તમામ નિયમો નેવે મુકાયા?
એક તરફ ડી બી એન્ટરપ્રાઇઝ ને બ્લેક લિસ્ટ કરવા જિલ્લા પંચાયતમાં બહુમતી થી ઠરાવ પસાર થયો હતો. ત્યારે બીજી તરફ હકીકત એ પણ છેકે ઠરાવ થયાના મહિનાઓ બાદ પણ આ કંપનીનું કામ ચાલુ છે. ત્યારે શું આ કંપની જિલ્લા પંચાયત પ્રમુખના સગાની હોઈ તમામ નિયમો નેવે મુકાયા છે તેવી ચર્ચા છે.

છેલ્લા એક વર્ષથી જિલ્લા આરોગ્ય અધિકારીની જગ્યા ખાલી
ખેડા જિલ્લા પંચાયતમાં છેલ્લા એક વર્ષથી જિલ્લા આરોગ્ય અધિકારીની જગ્યા ખાલી છે. અતિ મહત્વની એવી આ સીટ પર કાયમી અધિકારીની નિમણૂક નહી થતા આરોગ્ય વિભાગ બોડી બામણીનું ખેતર બની ગયું છે. સરકાર દ્વારા પ્રજા હિતમાં યોગ્ય કાબિલિયત વાળા અધિકારી મુકવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...