કપડવંજમાં યુવાઓ રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવેલા રૂપિયા પાણીમાં ગયા છે. યુવાઓ રમત ગમતમાં ભાગ લઈ રાજ્ય તેમજ દેશનું નામ રોશન કરે તે માટે કપડવંજ શહેરના અંતિસર દરવાજા વિસ્તારમાં જિલ્લા આયોજન મંડળના સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળ રૂા.32 લાખ ના ખર્ચે બનાવવામાં આવેલું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ હાલ ધૂળ ખાઈ રહ્યું છે.
કપડવંજ શહેરમાં તત્કાલિન સાંસદ અરુણ જેટલી દ્વારા ફાળવેલી રૂ.32 લાખની ગ્રાન્ટમાંથી શેઠ એમ.પી. મ્યુનિસિપલ હાઇસ્કુલ પાસે આવેલી તલાવડીમાં 9 વર્ષ પહેલા સ્પોર્ટસ સંકુલ બાંધવામાં આવ્યું હતું. અને તેનો ઉપયોગ ઈન્ડોર ગેમ માટે કરવામાં આવનાર હતો. પરંતુ સત્તાવાળાઓની બેદરકારી અને નિષ્કાળજીને પરિણામે આ સ્પોર્ટસ સંકુલ ધૂળ ખાઈ રહ્યું છે.
આ ઇન્ડોર સ્પોર્ટસ સંકુલમાં ટેબલ ટેનિસ, કેરમ તેમજ બેડમિન્ટન જેવી રમતો રમાડવાનો પ્લાન હતો. પરંતુ તેના બાંધકામની યોગ્ય ડિઝાઇનના અભાવે, કેટલીક રમતો રમાડવામાં મુશ્કેલીઓ પડતી હોવાથી પણ આ સ્પોર્ટસ સંકુલથી લોકો વિમુખ થઈ ગયા હતા. જે બાદ તેની જાળવણી તથા યોગ્ય ઉપયોગના અભાવે કોમ્પલેક્ષ હાલ ધૂળ ખાઈ રહ્યું છે અને ખંડેર બની રહ્યું છે.
નગરપાલિકાએ બે વખત ઠરાવ કર્યો પરંતુ કોઈ એજન્સી ના આવી
નગરપાલિકા સંચાલિત કોમ્પ્લેક્સ ચાલુ કરવા માટે નગરપાલિકાએ અત્યાર સુધી બે વખત ઠરાવ કર્યો છે. પરંતુ કોમ્પ્લેક્સની જાળવણી માટે કોઈ એજન્સી એ ઈચ્છા દર્શાવી નથી જેથી હાલ બંધ પડ્યું છે. > સાવન રતાણી, ચીફ ઓફિસર, કપડવંજ નગરપાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.