દારૂબંધી મામલે પોસ્ટર ઝુંબેશ:કપડવંજ તાલુકાના સરપંચો દ્વારા દારૂબંધી મામલે ગામમાં કડક અમલવારી​​​​​​​, પોસ્ટર બનાવી લોકોને સહકાર આપવા અપીલ કરાઈ

કપડવંજ13 દિવસ પહેલા
  • કપડવંજના નિરમાલી ગામે સરપંચે ગ્રામજનો સાથે રહી જાહેર જગ્યાએ પોસ્ટર લગાવ્યાં

હાલમાં થયેલા લઠ્ઠાકાંડમાં 50થી વધુના લોકોના મોતથી ગુજરાતમાં અને દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજ્યભરમાં આ બાબતને લઈને પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે. ત્યારે, રાજ્યના ઘણા બધા ગામમાં સ્થાનિક આગેવાનો દ્વારા ગામમાં દારૂબંધીની કડક અમલવારી થાય તે માટેના પ્રયાસો અને પહેલ કરવામાં આવી રહી છે. ત્યારે, કપડવંજના નિરમાલી ગામના સરપંચ જુવાનસિંહ ભવાનસિંહ પરમાર દ્વારા ગામમાં દારૂબંધીની કડક અમલવારી થાય તેમજ લોકો જાગૃત થઈ આ દિશામાં આગળ આવે. એ માટે ઠેર ઠેર પોસ્ટર લગાવવાની ઝુંબેશ હાથ ધરી છે. સાથે જ ગામના લોકોને આ બાબતે સહયોગ કરવા અપીલ કરાઈ છે. ગામના અગ્રણીઓ અને લોકો આ પહેલ સાથે જોડાઈને સરપંચને સમર્થન આપી રહ્યા છે.

ગામમાં દારૂબંધી લાદી વ્યસન મુક્તિની ઝુંબેશ હાથ ધરાઈ
આ સાથે, તાલુકાના અનેક સરપંચો તથા ગ્રામજનોએ આ બાબતે જાગૃતિ દાખવી ગામમાં દારૂબંધી લાદી વ્યસન મુક્તિની ઝુંબેશ હાથ ધરાઈ રહી છે. હાલ, તો તાલુકાના ઘણા બધા ગામના સરપંચ દ્વારા પોસ્ટર બનાવી તેમજ ગામમાં જાગૃતિ બાબતે કામ થઈ રહ્યું છે. તો તાલુકાના લોકો આ સહુ પ્રયાસને બિરદાવીને સહકારની ભાવના વ્યક્ત કરી રહ્યા છે.

દારુબંધી બાબતે ગામે ગામ સરપંચો પોતાની ફરજ નિભાવી રહ્યા છે
લઠ્ઠાકાંડ બાદ કપડવંજ તાલુકાના નિરમાલી, સોરણા, ગરોડ, ભોજાના મુવાડા, મીરાપુર, સુલતાનપુર, વડધરા, ચપટીયા, પારીયાના મુવાડા, ઠુંચાલ, આંબલીયારા, શિહોરા સહિતના અનેક ગામના સરપંચ દ્વારા ગામમાં દારૂ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં, ગામમાં લાવવો નહિ, પીવો નહિ કે કોઈએ પણ વેચવો નહિ. તેમજ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી આવું કરનાર ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તેવો પ્રચાર પૂરજોશમાં શરૂ કરી ગામને વ્યસન મુક્ત બનાવવાની ઝુંબેશ હાથ ધરી છે. અને, આ ઝુંબેશમાં રોજે રોજ અનેક સરપંચો, ગ્રામજનો જોડાઈ રહ્યા છે. જેના કારણે દારૂનો વેપલો કરતા અસામાજિક તત્વો હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો લઠ્ઠાકાંડ પછી દારુબંધી બાબતે ગામે ગામ સરપંચો પોતાની ફરજ નિભાવી રહ્યા છે. અને વિવિધ કાર્યો થકી પોતાના ગામને વ્યસન મુક્ત બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે.

સરકાર અને પોલીસનો સહયોગ મળે તેવી આશા
આ સમગ્ર ગામના સરપંચો પહેલમાં કે ઝુંબેશમાં સરકાર અને પોલીસનો સહયોગ મળે તેવી આશા સેવી રહ્યા છે. સરપંચોની ગામને વ્યસનમુક્ત બનાવવાની આ ઝુંબેશની સફળતાનો સંપૂર્ણ આધાર સરકાર અને પોલીસ તરફથી જરૂરી સહકાર મળે તેના પર છે. તેવું ગ્રામજનો માની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...