ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતનું સંવર્ધન:કપડવંજ હેરિટેજ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસિત કરવાનાં ઉમદા આશયથી MOU કરાયું

કપડવંજ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

આઝાદી અગાઉથી એટલે કે વર્ષ 1940થી જેના બીજ કપડવંજ નગરમાં રોપાયેલા છે, તે કપડવંજ કેળવણી મંડળ સમગ્ર ખેડા જીલ્લો અને આસપાસનાં વિસ્તારમાં શિક્ષણનાં ધામ તરીકે સતત કાર્યરત છે. શિક્ષણ, સેવા, સંસ્કાર અને સહયોગ આ ચાર સંસ્થાનાં પાયાનાં સિદ્ધાંત છે. કપડવંજ અને ખેડા જીલ્લામાં શૈક્ષણિક વિકાસની સાથે ઐતિહાસિક ધરોહરો સચવાય, વિશ્વ સ્તરે તેની નોંધ લેવાય, સાંસ્કૃતિક કલા વારસાનો પ્રચાર પ્રસાર થાય તે માટે કપડવંજ કેળવણી મંડળ દ્વારા વિશેષ વિચારણા હાથ ધરાઈ છે.

આ નગર વૈશ્વિક ધરોહરમાં સ્થાન પામે તેવી આશા
કપડવંજ કેળવણી મંડળ દ્વારા કપડવંજ નગરની ઐતિહાસિક ધરોહર ઉજાગર થાય, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે તેની નોંધ લેવાય અને સમગ્ર નગરજનોને આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતનાં સંવર્ધન તથા હેરીટેજ પ્રવાસનની દ્રષ્ટીએ વિકાસથી લાભ થાય તેવા હેતુસર "કપડવણજ હેરીટેજ સીટી પ્રોજેક્ટ" તૈયાર કરવામાં આવ્યો છે. કપડવંજ કેળવણી મંડળ દ્વારા આયોજન થયેલ આ પ્રયાસ સફળ થાય અને સાચા અર્થમાં લોકભોગ્ય બને તે માટે આજે કેળવણી મંડળ અને કપડવંજ નગરપાલિકા સાથે MoU કરવામાં આવ્યા છે. સ્થાનિક શૈક્ષણિક સંસ્થા અને સ્થાનિક વહીવટીતંત્રનો આ સંયુક્ત પ્રયાસ કપડવંજ નગરને વિશ્વસ્તરે હેરીટેજ સ્થાનોમાં ઉજાગર કરવામાં સફળ નિવડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત ભવિષ્યમાં આ નગર વૈશ્વિક ધરોહરમાં સ્થાન પામે તેવી બંને સંસ્થાએ આશા વ્યક્ત કરી છે.

ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્તરે ઉજાગર કરવાનો પ્રયાસ
કપડવણજ હેરીટેજ સીટી પ્રોજેક્ટનાં પ્રથમ તબક્કાની એક વર્ષની કામગીરી અંદાજીત 2 લાખનાં ખર્ચે પાર પડશે. પ્રોજેક્ટમાં થનાર ખર્ચમાં સંપૂર્ણ સહયોગ દાણી ફાઉન્ડેશન મુંબઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે . કપડવંજ શહેરને ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્તરે ઉજાગર કરવાનાં કપડવંજ કેળવર્ણી મંડળનાં આ પ્રયાસને શહેરીજનો આવકારશે તેવી અમોને આશા છે અને આગામી સમયમાં નગરપાલિકાનાં સહકારથી આપણું શહેર હેરીટેજ પ્રવાસનના મહત્વનાં કેન્દ્ર તરીકે વિશ્વ સમક્ષ ઉભરી આવશે તે માટે અમી કટીબંધ છીએ.- ડો. હરીશ કુંડલીયા, પ્રમુખ, કપડવંજ કેળવણી મંડળ

ભવ્ય વારસાની સાચવણી અને વિકાસ જરૂરી
ઐતિહાસિક નગરી કપડવંજનો ભવ્ય વારસો, સાંસ્કૃતિક વિરાસત અને શિલ્પ સ્થાપત્યોના બેજોડ નમુનાઓ સુપ્રસિધ્ધ છે. શહેરનાં આ ભવ્ય વારસાની સાચવણી થાય હેરીટેજ પ્રવાસનનાં કેન્દ્ર તરીકે વિકાસ થાય એ અતિ આવશ્યક બાબત છે. કપડવંજ કેળવણી મંડળ દ્વારા થઈ રહેલા આ પ્રયાસ આવકાર્ય છે અને કપડવંજ નગરપાલિકા આ શુભારંભમાં જોડાઈ જરૂરીયાત પ્રમાણે આગળ વધવા કટિબદ્ધ છે.- મોનિકાબેન પટેલ, પ્રમુખ કપડવંજ નગરપાલિકા

“કપડવણજ હેરીટેજ સીટી પ્રોજેક્ટ" શું છે?
આ પ્રોજેક્ટ અંતર્ગત કપડવંજ શહેર ભવિષ્યમાં વૈશ્વિક ધરોહરમાં સ્થાન પામે તે સંદર્ભથી વિવિધ આયોજનો હાથ ધરવાનાં છે. જેમાં પ્રથમ તબક્કે આગામી એક વર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે નીચે મુજબની કામગીરી હાથ ધરવામાં આવશે.

 1. સંપુર્ણ નગરનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક સર્વેક્ષણ, સંશોધન
 2. હેરીટેજ વોક રૂટ ડીઝાઈન
 3. ગુજરાતી, અંગ્રેજીમાં માહિતી દર્શાવતા સાઈન બોર્ડ
 4. જરૂરી પ્રચાર પ્રસાર સાહિત્ય – ડૉક્યુમેન્ટરી ફીલ્મ, પુસ્તક, બ્રોશર્સ
 5. શહેરનાં સ્થાપત્યોની સાફ સફાઈ, પુરારક્ષણ અને કેમિકલ ટ્રીટમેન્ટથી સફાઈ
 6. જરૂરીયાત પ્રમાણે લોકજાગૃતિ – લોક જોડાણનાં જાહેર કાર્યક્રમો
 7. ડેરીટેજ શિક્ષણને લગતી કામગીરી
 8. શહેરને જરૂરીયાત પ્રમાણે ચિત્રકલાથી શુશોભિત કરવાની કામગીરી
 9. ટુરિસ્ટ ગાઈડની જરૂરીયાત પ્રમાણે તાલીમ, હેરીટેજ પ્રવાસન કેન્દ્ર તરીકે શહેરનો વિકાસ
 10. કુંડવાવનાં વિકાસ અને સાઈટ ડેવલોપમેન્ટની કામગીરી.
અન્ય સમાચારો પણ છે...