સામાન્ય સભા:દુકાનોની હરાજીનો વિરોધ થતાં કપડવંજ પાલિકાની બેઠક 10 મિનિટમાં આટોપાઇ

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના મોટાભાગના સદસ્યોઅે વિરોધ દર્શાવતા દરખાસ્ત નામંજૂર
  • સભામાં દુકાનોની હરાજી સહિતના 4 અેજન્ડા અંગે કોઇ નિર્ણય ન લેવાયો

કપડવંજ નગરપાલિકાના સભાગૃહ ખાતે શુક્રવારે મળેલી સામાન્ય સભામાં પાલિકાના 2 શોપિંગ સેન્ટરોની 53 દુકાનોની જાહેર હરાજીની મંજૂરી માટે જનરલ બોર્ડમાં કામ મુકાતા મોટાભાગના સદસ્યો દ્વારા આ બાબતનો વિરોધ કરાયો હતો. જેને લઇ ગણતરીની મિનિટોમાં જનરલ બોર્ડની બેઠક પૂર્ણ થઈ હતી. દુકાનોની હરાજી સહિતના 4 અેજન્ડા પર કોઇ નિર્ણય લેવાયો ન હતો. કપડવંજ નગરપાલિકાના સભાગૃહ ખાતે નગરપાલિકા પ્રમુખ મોનિકાબેન પટેલના અધ્યક્ષ પદે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ચીફ ઓફિસર સાવનકુમાર રતાણી તેમજ 28માંથી 26 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

શહેરમાં નગરપાલિકા દ્વારા અઢી વર્ષ અગાઉ ત્રણ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યા હતા. સભામાં પાલિકા દ્વારા નિર્મિત બે શોપિંગ સેન્ટરોની કુલ 53 દુકાનોની જાહેર હરાજી કરવા માટેના કામનો મુસદ્દો મૂકવામાં આવ્યો હતો. પરંતુ આ મુદ્દાનો પાલિકાના સદસ્યો દ્વારા બહુમતીમાં વિરોધ કરાતા કામ નામંજૂર થયું હતું. જેને કારણે પાલિકાની જનરલ બોર્ડની મિટિંગ માત્ર 10 જ મિનિટમાં પૂરી થઇ ગઇ હતી. જોકે આ બાતે અગાઉ પણ નગરપાલિકાના 21 સદસ્યો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સભામાં વિરોધ થતાં 4 દરખાસ્ત અંગે કોઇ નિર્ણય લેવાયો ન હતો.

અનેક રજૂઆત બાદ હરાજીની મંજૂરી મળી હતી
છેલ્લા અઢી વર્ષથી તૈયાર થયેલ ત્રણ શોપિંગ સેન્ટરોમાંથી બે શોપિંગ સેન્ટરોની ગાંધીનગરના અનેક ધક્કાઓ અને રજૂઆત બાદ જાહેર હરાજી માટે પરવાનગી મળી હતી. આ શોપિંગ સેન્ટરની હરાજી થતા નગરપાલિકાને મોટી રકમની આવક તથા નગરપાલિકાના પેન્શનરોને પેન્શન ચૂકવવાથી તેઓની દિવાળી સુધરી શકે તેમ હતી. પરંતુ નગરપાલિકાના સદસ્યોએ જ વિરોધ કરતા કામ અટકી પડ્યું હોઇ પાલિકાની આવક પર ફટકો પડ્યો છે. - મોનિકા પટેલ, પ્રમુખ, કપડવંજ નગરપાલિકા.

અન્ય સમાચારો પણ છે...