કોરોનાકાળમાં ઘણા લોકોએ પોતાના પરિવારના સભ્યોને અને ઘણાએ પોતાનો આખો પરિવાર ગુમાવ્યો હતો. ત્યાં કપડવંજમાં એક એવો કિસ્સો સામે આવ્યો, જ્યાં પરિવારે પહેલા કોરોનામાં એક સભ્ય ગુમાવ્યો અને તેનું દુઃખ સહન ન થતાં એક પિતાએ તેની જ 10 વર્ષની પુત્રીની હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઈ લીધો. જ્યારે સ્થાનિકોએ તપાસ કરવા દરવાજો ખોલ્યો તો એક લટકતો મૃતદેહ અને 10 વર્ષની દીકરી તેની મૃત માતાના ફોટો સાથે ખુદ મૃત હાલતમાં ચાદરથી લપેટેલી જોવા મળી.
10 વર્ષની દીકરીની હત્યા કરી આત્મહત્યા કરી લીધી
પ્રાપ્ત માહિતી અનુસાર, આત્મહત્યાનું પગલું ભરતાં પહેલાં ઘરમાંથી મળી આવેલી સુસાઇડ નોટમાં આપઘાત અંગેનું કોઈ ચોક્કસ કારણ દર્શાવેલું નથી, પરંતુ હવે 'અમે આ દુનિયામાં રહેવા નથી માગતા' તેનો માત્ર ઉલ્લેખ કર્યો હતો. હજુ સુધી આ સામૂહિક આપઘાત પાછળનું કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી, પરંતુ આ ઘટના અંગે મૃતકે તેમના બનેવી તથા ફુઆને સુસાઇડ નોટમાં જણાવેલા મોબાઈલ નંબરો પર જાણ કરવાનો ઉલ્લેખ કર્યો હતો.
દરવાજાને ધક્કો મારીને જોયુ કે તેની લાશ લટકતી હતી
પાડોશી વિનોદભાઈ સોનીના જણાવ્યા અનુસાર, કપડવંજના રત્નાકર માતા રોડ પર વિશ્વાસ આર્કેડ ફ્લેટના પાંચમા માળે ઘર નં.505માં રહેતા ભાવિક અરવિંદભાઈ પટેલ અને જોએલ અરવિંદભાઈ પટેલના ઘરમાં સ્થાનિકોએ તપાસ કરતાં ભાવિકનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. પત્નીના મૃત્યુ બાદ ભાવિક દુઃખી હતા અને સ્ટેટસમાં રોજ ફોટો રાખતા. ભાવિકભાઈ અને તેમની દીકરી ખૂબ જ સારા પડોશી હતા. તેમની પત્નીનું કોરોનામાં મૃત્યુ થયા બાદ રોજ તેઓ દુઃખી રહેતા હતા, પરંતુ કોઇને ખબર પડવા દેતા ન હતા. મારો દીકરો અને જોએલ દરરોજ સાથે ટ્યૂશન જતા હતા. આજે પણ તેને ટ્યૂશનમાં આવવાનું છે, તેવું પૂછવા મેં ભાવિકભાઈનો દરવાજો ખખડાવ્યો, તો દરવાજો ખુલ્લો હતો. જેથી મેં દરવાજાને ધક્કો માર્યો તો જોયું કે તેમની લાશ લટકતી હતી. હું ગભરાઈ ગયો અને દોડીને ચોથા માળે જઇ પડોશી મોન્ટુભાઈને બોલાવી મ્યુ.સભ્યને ફોન કરતાં તેમણે પોલીસને જાણ કરી હતી.
દીકરીની હત્યા કરી મૃત માતાના ફોટા જોડે સૂવડાવી દીધી...
કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ એ.આર. ચૌધરી તથા પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આકસ્મિક મૃત્યુ અંગેની નોંધ કરીને વધુ તપાસ કરતાં ગઈકાલે બનેલી આ ઘટના વિશે જણાવ્યું હતું કે 40-45 વર્ષની ઉંમરની આ વ્યક્તિ જે ગળેફાંસો ખાધેલી હાલતમાં ફ્લેટમાં મળી આવી હતી તેમજ જોડે તેમની બાળકી પણ મૃત હાલતમાં મળી આવી હતી. મૃત બાળકીની બાજુમાં માતાનો ફોટો પણ હતો, જે કોરોનાકાળમાં ગુજરી ચૂક્યાં હતાં. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે ત્યાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં લખેલું હતું કે અમારા બંનેનો હવે જવાનો સમય થઈ ચૂક્યો છે, અમે જઈએ છીએ, ભૂલચૂક માફ કરજો. હાલ બંનેના પીએમ થઈ ચૂક્યા છે. જોકે ડોક્ટરે હજી સુધી કોઈ રિપોર્ટ આપ્યો નથી, પણ એવું નક્કી છે કે બાળકીને તેના પિતાએ જ મારી નાખી અને ખુદ ગળેફાંસો ખાઈ લીધો હતો. લગભગ 3 વાગ્યા આજુબાજુ આ ઘટના બનેલી હોવાનું જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.