કમળે ગામને ચાર ચાંદ લગાવ્યા:વઘાસના 999 વીઘાના તળાવમાં કમળ ખીલી ઉઠતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા; તળાવ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું

કપડવંજ23 દિવસ પહેલા

કપડવંજ તાલુકામાં અંદાજે 15 કિમી દૂર આવેલું વઘાસ ગામ જેની વસ્તી આશરે 2500 છે. આ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત અને સુંદર પ્રાથમિક શાળા આવેલી છે. વઘાસ ગામના પાદરે 999 વીઘાનું અંદાજે 7 ફૂટ ઊંડાઈ ધરાવતું અને 36 મિલિયન ક્યુબીક ફૂટ કેપેસિટી ધરાવતા આ તળાવ આવેલુ છે. જેમાં હાલ તો, કમળના ફૂલ ખીલતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ખૂબ જ મોટી સંખ્યામાં કમળના ફૂલ ખીલી ઉઠતાં વઘાસના આ તળાવે સોળે શણગાર સર્જ્યા હોય તેવું દેખાઈ છે. જેમાં, સાંજના સમયે તળાવના કિનારે નયનરમ્ય અને રમણીય નઝારો સર્જાય છે. જેના કારણે પંખીઓ પણ સવાર-સાંજ કલબલાટ કરી મૂકે છે. તો તળાવના કિનારે આવેલ શિવજીનું મંદિર ગ્રામજનોની આસ્થા અને ગામની શોભામાં વધારો કરે છે.

સી.સી. રાઠોડ (નાયબ કા.ઇ.નાની સિંચાઈ, ડાકોર)ના જણાવ્યા અનુસાર, આ તળાવ અગાઉ વરસાદના પાણીથી ભરાતું હતું. જે હાલ સુજલામ સુફલામ યોજના અંતર્ગત કેનાલ કાર્યરત થતા ધામણી નદીએ ચેકડેમ બનાવી ફીડર કેનાલ બનાવવામાં આવેલ છે. આ કેનાલ દ્વારા વઘાસ તળાવને સુજલામ સુફલામ અંતર્ગત તળાવ ભરવાનું શક્ય બન્યું છે. જ્યારે પણ કડાણા ડેમ પાસે પાણીની માગણી કરવામાં આવે ત્યારે મળી જાય છે. આ તળાવમાં ડાબા કાંઠાથી લાડુજી અને પીરોજપુર સુધી લાભ મળે છે. અને જમણા કાંઠાથી વઘાસ અને ઢેકિયા ગામને લાભ મળે છે. ફીડર કેનાલથી વાંટડા, અલવા, પથોડા, વ્યાસ વાસણા, કાકલિયા જેવા તળાવને આનો લાભ મળે છે. આ તળાવની પાળાની લંબાઈ 2.5 કિલોમીટર જેટલી છે. તળાવથી કેનાલ અને ધામણી ફીડર કેનાલ દ્વારા નજીકના ખેડૂતોને ખેતરોમાં પિયતનો લાભ મળે છે.

અન્ય સમાચારો પણ છે...