અનોખો અન્ન સેવાયજ્ઞ:કપડવંજ ખાતે તન્મય ભૂદેવ મિત્ર મંડળ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી દરરોજ સાંજે નિરાધાર અને અસક્ત લોકોને ભોજન પીરસવામાં આવે છે

કપડવંજએક મહિનો પહેલા

આ ધરતી ઉપર અન્ન ક્ષેત્ર જેવું બીજું કોઈ પુણ્ય નથી. આવા શિવપુરાણના મહિમાને વધારવા માટે તન્મય ભૂદેવ મિત્ર મંડળ દ્વારા ખેડા જિલ્લામાં આવેલા કપડવંજ શહેરમાં અપંગ, નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને રોજ રાત્રે 8:00 વાગે તદ્દન મફત પેટ ભરીને ભોજન કરાવવામાં આવે છે.

કપડવંજમાં આવેલ મોટા હનુમાનજી મંદિર પાસે તથા આવા પ્રત્યેક લોકોના ઘરે ઘરે જઈને તૈયાર રાંધેલું ભોજન પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત અનનો બગાડ ન થાય તે માટે આ મિત્ર મંડળના સભ્યો કોઈકના લગ્ન પ્રસંગો અથવા અન્ય જમણવારમાં વધેલું ભોજન લઈ આવી આવા જરૂરિયાતમંદ લોકોને પહોંચાડે છે.

કપડવંજના તન્મય રાવલ અને ખુશ્બુ રાવલ આ સમગ્ર કાર્યમાં તન મન અને ધનથી જોડાયેલા છે. આ ઉપરાંત તેમની ટીમમાં આદિત્ય ત્રિવેદી, નેહા ત્રિવેદી ,વિશાલ શર્મા, દીપકભાઈ કંસારા, દિલીપભાઈ શર્મા અને કૃપેશ ભટ્ટ સહયોગ આપી રહ્યા છે.

આ મંડળના મુખ્ય દાતા ખુશ્બુ રાવલના જણાવ્યા અનુસાર, હાલ જે અશક્ત, અપંગ અને નિરાધાર હોય એવા દસ ઘરોના અંદાજિત 50 જેટલા વ્યક્તિઓ માટે ઘરે જઈ જઈને ભોજન પહોંચાડી રહ્યા છીએ અને 70 થી વધુ નિરાધાર લોકોને શ્રી મોટા હનુમાનજી મંદિર ખાતે અને ત્યારબાદ શ્રી કુબેરજી મહાદેવ ખાતે 20થી વધુ જરૂરિયાતમંદ અને નિરાધાર લોકોને ભોજન પીરસાય છે. લગભગ છેલ્લા ત્રણ મહિનાથી ભોજન યજ્ઞ ચાલી રહ્યો છે. આ અગાઉ આ ભોજન યજ્ઞની શરૂઆત કઠલાલ તાલુકાના છીપડીથી કરવામાં આવી હતી. ત્યારબાદ કપડવંજ ખાતે શ્રી મોટા હનુમાનજી મંદિર અને શ્રી કુબેરજી મહાદેવ ખાતે દરરોજ રાત્રે નિરાધાર અને જરૂરિયાત મંદ લોકોને ભોજન પીરસાઈ રહ્યું છે.

આ કાર્યની સાથે તન્મય ભુદેવ મિત્ર મંડળ દ્વારા નિરાધાર, અપંગ અને જરૂરિયાતમંદ લોકોને આરોગ્યની સેવા બાબતે કોઈપણ દવાની જરૂરિયાત હોય તો પણ ઘરે બેઠા પૂરી પાડે છે. આમ તન્મય ભૂદેવ મિત્ર મંડળના કાર્યકરો કપડવંજમાં આવી સેવાઓ કરી રહ્યા છે જે ખરેખર ધન્યવાદને પાત્ર છે. કપડવંજની કોઈપણ વ્યક્તિ તેમના જન્મદિન ,લગ્નદિન કે પુણ્યતિથિ નિમિત્તે ભોજન દાન સહભાગી બનવા માટે તેઓ પણ પોતાની ભેટ લખાવી શકે છે. આ પુણ્ય કાર્યને કપડવંજ તાલુકાની અનેક વ્યક્તિઓ બિરદાવીને અભિનંદન પાઠવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...