પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ:નાગરવાડા ખાતે આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરનું નવનિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

કપડવંજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

97 વર્ષ પછી કપડવંજના મોટા નાગરવાડા ખાતે આવેલ નાગરોના કુળદેવી માઁ વાઘેશ્વરીના મંદિરનું નવનિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે દેશ-વિદેશ તથા ગુજરાતના તમામ શહેરોમાં વસતા મૂળ કપડવંજના નાગરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નાગર અગ્રણી મુકેશભાઈ વૈદ્ય તથા અજીતભાઈ મહેતાના જણાવ્યા અનુસાર, ત્રણ દિવસ ચાલેલા આ કાર્યમાં વેદ પાઠી બ્રાહ્મણો દ્વારા મંદિરનો વાસ્તુ તથા માતાજીના પ્રતિષ્ઠા યજ્ વિધિ દ્વારા નૂતન મંદિરમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

સ્થાનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
ત્રણ દિવસના આ કાર્યમાં માતાજીને જળમાં, ઘીમાં તથા અનાજમાં વાસ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ, 100 કરતાં વધારે ઔષધીઓ દ્વારા પાણીમાં મિશ્રિત કરીને માતાજી ઉપર અભિષેક કરવામાં આવ્યો હતો. આ તમામ કાર્ય વખતે કપડવંજના વિદેશના તથા ગુજરાતના નાગરો ઉપરાંત આજુબાજુ વસતા બધા જ સ્થાનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા મોટો નાગરવાડો નાનો પડ્યો હતો. એટલું માનવ મહેરામણ ઊમટ્યું હતું.

નાગરવાડા યુવક મંડળ દ્વારા અભિવાદન​​​​​​ કરાયું
આ પ્રસંગે નાગરવાડા વિસ્તારના યુવક મંડળે બહારથી આવેલા બ્રાહ્મણોનું તથા મુકેશ વૈદ્ય તથા અજીત મહેતાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તથા કપડવંજ વિસનગરા નાગર સમાજના પ્રમુખ અક્ષય વૈધે ઉપસ્થિત આચાર્ય પ્રફુલભાઈ તથા સુનિલભાઈ જોશી સહિત બ્રાહ્મણોને દક્ષિણા અર્પણ કરી હતી. આ કાર્યક્રમ સંપન્ન કરવામાં ઉપપ્રમુખ વિપુલભાઈ પંડ્યા તથા કારોબારી ગણે ખૂબ મહેનત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...