15 વર્ષ બાદ કોંગ્રેસના ગઢમાં ગાબડું:કપડવંજ 120-વિધાનસભા બેઠક પર રાજેશ ઝાલાનો ભવ્ય વિજય; ભાજપની 30,845 મતોની લીડથી જીત

કપડવંજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

120-કપડવંજ વિધાનસભા મતક્ષેત્રમાં 15 વર્ષ પછી કમળ ખીલ્યું છે. ત્રણ ટર્મ બાદ પ્રથમ વખત ભાજપે જીત મેળવી છે. કપડવંજ-કઠલાલ બન્ને તાલુકા મળી કપડવંજ બેઠક બન્યા બાદ કોંગ્રેસના ગઢમાં ભાજપે જીત મેળવી છે. ભાજપાની જીતથી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી, મિઠાઈ વહેંચી વિજયોત્સવની ઉજવણી કરી હતી. મોદી મેજીકથી કપડવંજમાં ભાજપે બાજી મારી હતી. ભાજપાના રાજેશ ઝાલાએ 1,10,051 મતો મેળવ્યા છે. જ્યારે કોંગ્રેસના કાળુસિંહ ડાભીએ 79,206 મતો મેળવતા 30,845 લીડ સાથે વિજય પ્રાપ્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નોટામાં 3,180 મતો પડ્યા હતા. જ્યારે આપના ઉમેદવાર મનુ પટેલને 8,952 મતો મળ્યા હતા.

રાજેશ ઝાલા વિજયી થતા કપડવંજમાં વિજયોત્સવ મનાવ્યો હતો. સવારથી ભાજપ લીડ મેળવી રહ્યું છે, તે જાણી કપડવંજ નગરમાં ફટાકડા ફોડી ખુશી મનાવી હતી. ભાજપાના રાજેશ ઝાલાએ ભવ્ય વિજય મેળવતા કપડવંજ નગરના રાજમાર્ગો ઉપર તેની વિજયી રેલીમાં વિશાળ જનમેદની સાથે ડીજેના તાલે કાર્યકર્તાઓ ઝુમી ઉઠ્યા હતા. ફટાકડા ફોડી, મિઠાઈ ખવડાવી અને ગુલાલની છોડો ઉડાડી વિજય મહોત્સવની ઉજવણી કરી હતી. કઠલાલમાં વિજય સરઘસ બાદ કપડવંજ આવતા સુધી વચ્ચે આવતા ગામોમાં ઠેર-ઠેર રાજેશ ઝાલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

15 વર્ષ પછી કપડવંજ વિધાનસભા બેઠક ઉપર પુનઃ ભગવો લહેરાતા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કપડવંજ શહેર-તાલુકા સંગઠન સહિત નગરજનોએ રાજેશ ઝાલાને ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. વિજય રેલી કપડવંજ નગરના રાજમાર્ગો ઉપર ફરતા ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કપડવંજ પાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ મોનિકા પટેલ તથા સદસ્યોએ રાજેશ ઝાલાનું સ્વાગત કરી શુભકામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...