વર્ષો જુના BJPના કાર્યકરો હાંસિયામાં:કપડવંજ કઠલાલ વિધાનસભામાં રાજેશ ઝાલાનું ભાજપના ઉમેદવાર તરીકે નામ જાહેર; સારી છબી હોવાથી જીત સરળ બનશે

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાજપે આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને તેના ઉમેદવારો જાહેર કરી દીધા છે. કપડવંજ-કઠલાલ વિધાનસભા બેઠક પર ભાજપે વર્ષો જૂના કાર્યકરોને સાઇડ લાઇન કર્યાં છે. આ બેઠક પર 30થી વધારે લોકોએ ટિકિટની માંગ કરી હતી. જેમાં હવે થોડા સમય પહેલાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા રાજેશ મગન ઝાલા (ગોગજીપુરા, તાલુકો કઠલાલ)ને ટિકિટ આપવામાં આવી છે.

પિતા 1975થી 1990 ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે
રાજેશ ઝાલા અગાઉ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ સેવાઓ આપેલી છે. ભાજપે આ વખતે અહીં રાજેશ ઝાલા પર દાવ ખેલ્યો છે. ભાજપના જાહેર થયેલા રાજેશ એમ. ઝાલા 34 વર્ષના યુવાન અને કઠલાલ તાલુકાના ગોગજીપુરાના વતની છે, જેઓએ બી.એ. સુધીનો અભ્યાસ કરેલો છે. ખેડા જિલ્લા પંચાયતમાં હાલ સદસ્ય છે, તેઓના પિતા મગનભાઈ ઝાલા કઠલાલ વિધાનસભામાં 1975થી 1990 ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. ત્યારે, રાજકારણ એમના રગે રંગમાં વહી રહ્યું છે એમ કહી શકાય.

ઉચ્ચ નેતાઓ પણ આ બેઠક પર ખાસ ધ્યાન આપી રહ્યાં છે
તેઓ વિવિધ એજ્યુકેશન સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. હાલમાં આ બેઠક પર કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય કાળુસિંહ ડાભી પ્રબળ દાવેદાર છે. અહીં કોંગ્રેસની પક્કડ મજબૂત છે, તેમ છતાં ભાજપ યુવા નેતા રાજેશ મગન ઝાલાને ટિકિટ આપીને દાવ ખેલ્યો છે. ફરી એકવાર ક્યાંકને ક્યાંક વિધાનસભા ટિકિટ કઠલાલના ઉમેદવારને ફાળે જતા કાર્યકર્તામાં ગણગણાટ શરૂ થયાની માહિતી મળી છે. સ્થાનિકોમાં રાજેશ ઝાલાની કામગીરીને લઇને સારી છબી હોવાથી તેઓને જીત સુધી પહોંચવામાં વધુ મહેનત નહીં કરવી પડે. સાથે જ ભાજપના ઉચ્ચ નેતાઓ પણ આ બેઠક પર ખાસ ધ્યાન આપી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...