હડકાયા કૂતરાની બીકે લોકો ફફડ્યા:કાવઠ-કાશીપુરા સહિત અન્ય ગામોમાં હડકાયા કૂતરાનો આતંક; 15 જેટલા લોકોને બચકાં ભરી લેતાં ભયનો માહોલ

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે બુધવારે સવારથી જ કાવઠ ગામમાં ક્યાંકથી હડકાયું કૂતરું આવી જતાં લોકોમાં અફરા તફરીનો માહોલ ઉભો થવા પામ્યો હતો. તો આ હડકાયા કુતરાએ અનેક લોકોને કરડવાનો આતંક મચાવ્યો હતો. જેમાં કાવઠ ગામના રમીલાબેન ડાયાભાઈ ચૌહાણને જમણા પગે કૂતરું કરડતાં મોટી ઇજાઓ થવા પામી હતી. જેના પગલે તાત્કાલિક તેમને બાયડ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેમને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને સારવાર લઈ ₹ 8,500નું ઇન્જેક્શન લેવાનો વારો આવ્યો હતો. ઉપરાંત કાવઠ રેલવે ફાટક પર કામ કરતા મજૂર ભેખલાલ મ્હાતોને (ઝારખંડ) હડકાયું કુતરુ કરડ્યું હતું. જેથી તેમને બંન્ને પગે પાટા અને સારવાર લેવાનો વારો આવ્યો હતો.

કાશીપુરા ગામમાં 10થી વધારે લોકો હડકાયા કૂતરાનો ભોગ બન્યા
આ ઉપરાંત પ્રાપ્ત માહિતી અનુસાર, મીંઢોડીના મુવાડા કાશીપુરા સહિતના ગામોમાં આ હડકાયા કૂતરાનો આતંક જોવા મળ્યો હતો. કાશીપુરા ગામમાં 10થી વધારે લોકો આ હડકાયા કુતરાનો ભોગ બન્યા હતા. જેમાં, કાશીપુરાના અરવિંદભાઈ મૂળજીભાઈ પટેલને જમણા પગે બચકાં ભરતા 24 જેટલા ટાંકા લેવા પડ્યા હતા અને ઇન્જેક્શન માટેની સારવાર હાલ ચાલુ છે એમ જાણવા મળ્યું હતું. આમ કુલ અંદાજે પંદર જેટલા લોકો આ કૂતરાના કરડવાનો ભોગ બન્યા હતા. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે કૂતરાના કરડવાથી ઘવાયા હતા. જેમની તબિયત હાલ સારી હોવાનું જાણવા મળ્યું છે.

બાળકો-ખેડૂતોમાં ભયનો માહોલ
હડકાયા કૂતરાના આતંકને પગલે શાળાએ જતા બાળકો તેમજ ગ્રામજનો અને ખેતરોમાં કામ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો. હડકાયા કુતરાને લઈને આ ગામમાં નિશાળે જતા બાળકોમાં મોટાભાગે ડરનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...