કપડવંજ શહેરના વોર્ડ નંબર ત્રણમાં આવેલ સોનીપુરા તળાવમાંથી સુજલામ સુફલામ યોજનાના નામે માટી ઉલેચી ખાનગી પ્લોટમાં પુરાણ કરવાની કામગીરી પર પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કર્યા બાદ કપડવંજનું તંત્ર હરકતમાં આવ્યું હતુ. બીજી તરફ આ કામગીરી ભુસ્તર વિભાગની હોવા છતાં આંખે પાટા બાંધીને બેઠેલ તંત્રને જિલ્લામાં ક્યાંય ગેરકાયદેસર ખનન દેખાઈ રહ્યું નથી.
કપડવંજના સોનીપુરા તળાવમાં સુજલામ સુફલામના નામે ગેરકાયદે ખનન થતુ હોવાની રજૂઆત પ્રાંત અધિકારીને થતા તેઓએ મામલતદારને ઘટના સ્થળે પહોંચી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે સંદર્ભે ઘટના સ્થળ પર પહોંચેલ ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા એક હિટાચી મશીન સીઝ કર્યું હતું. આ સંદર્ભે કપડવંજ મામલતદારે સ્થાનિક જીગર પટેલ અને પ્રભાતભાઈ પટેલ વિરુદ્ધ યોગ્ય પગલાં ભરવા માટે નડિયાદ ભૂસ્તરશાસ્ત્રીને રિપોર્ટ કરાયો હોવાનું જાણવા મળેલ છે.
વધુ તપાસ નડિયાદ ભૂસ્તર વિભાગ પાસે
સોનીપુરા મુકામે 5500 મેટ્રિક ટન જેટલું ખોદકામ કરવામાં આવ્યું છે. એટલે કે 3400 ક્યુબિક મીટર જેટલા ખોદકામ અંગે સ્થળ ઉપર પંચ કેસ તથા રોજકામ કરી નડિયાદ ખાણ ખનીજ વિભાગને મોકલી આપવામાં આવેલ છે. તપાસ દરમિયાન નિયમ વિરુદ્ધ હશે તો દંડનીય કાર્યવાહી કરાશે.> જે.એન.પટેલ, મામલતદાર, કપડવંજ
રિપોર્ટ થઈ ગયો છે, સ્થળ પર તપાસ કરીશું
સ્થાનિક કક્ષાએથી રિપોર્ટ થઈ ગયો છે પણ અમે ફરીથી સ્થળ ઉપર જઈશું અને મેજરમેન્ટ ફરીથી ચકાસી શું. નિયમ વિરુદ્ધ હશે તો દંડનીય કાર્યવાહી કરીશું. જો તેમાં સંમત નહીં થાય તો પોલીસ ફરિયાદ પણ કરીશું. > મેહુલ દવે, ભુસ્તર શાસ્ત્રી, નડિયાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.