શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત:કપડવંજમાં શિક્ષક દિન નિમિતે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ ગરોડ પે.સેન્ટર શાળાના શિક્ષિકા​​​​​​​ને અપાયો

કપડવંજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર ભારતમાં 5 સપ્ટેમ્બર ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણજીનો જન્મદિન ઉજવાઈ છે. આ દિવસને શિક્ષક દિન ઉજવવામાં આવે છે. જેમાં આજ રોજ ખેડા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોના પુરસ્કાર વિતરણમાં કપડવંજ તાલુકા કક્ષાનો એવોર્ડ પન્નાબેન ભુલાભાઈ પરમારને એનાયત કરવામાં આવ્યો.

પન્નાબેન ભુલાભાઈ પરમાર ગરોડ પે.સેન્ટર શાળામાં છેલ્લા નવ વર્ષથી ભાષા શિક્ષક તરીકે ધોરણ 6થી 8 માં પોતાની સેવા બજાવી રહ્યા છે. ત્યારે શાળામાં સંસ્કૃત વિષય પર બાળકોને રમતા રમતા શિક્ષણ વિષય પર ક્રિયાત્મક સંશોધન કરી બાળકોને સંસ્કૃત વિષય શીખવી વ્યવહારમાં ઉપયોગ કરતા કર્યા છે. ઉપરાંત સાંસ્કૃતિક પ્રોગ્રામમાં પણ સંસ્કૃતમાં ગરબો રજૂ કરનાર પન્નાબેન પરમાર ખૂબ જ ઉત્સાહી અને કર્મશીલ શિક્ષિકા છે. આ ઉપરાંત સમાજસેવા કાર્ય અંતર્ગત પણ તેમણે સંસ્કૃત વિષય માટે અનેક સંભાષણ શિબિર યોજી છે. માધ્યમિક શાળામાં ડીઆરજી તરીકે શિક્ષકોને બાળકોને કેવી રીતે બોલતા કરવા તે કામગીરી કરી ઉમદા સેવા આપેલ છે.

કોરોના કાળમાં કૈવલ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા 50 વર્ષની ઉંમરલાયક વ્યક્તિઓ કે જેમના બાળકો ધંધાર્થે તેમનાથી દૂર રહેતા હતા. તેમને ફોન કોલિંગ દ્વારા વાતચીત કરી પૈસા, અનાજ અને દવાની મદદ કરવા માટે સેવા કાર્યમાં જોડાયા હતા અને સ્વયંસેવક તરીકે સેવાઓ પુરી પાડી હતી. 2020-21નો ગરોડ પે.સેન્ટર શાળામાં પ્રતિભાશાળી એવોર્ડ પણ તેમને મળેલ છે. 2021-22માં દોસ્ત ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ સાધના એવોર્ડ જે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનને નડિયાદ ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં તેમની તાલુકા કક્ષાએ પસંદગી થઈ હતી.

આજ રોજ 5 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે 2021-22માં તાલુકા કક્ષાનો "શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ" મેળવવા બદલ શિક્ષણ જગતમાંથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલના પ્રાચાર્ય એમ.બી.પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશભાઈ પટેલ, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી યુ.આઈ. માછી, ચેરમેન સુબોધભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરવિંદભાઈ ડાભી, બ્લોક રિસર્ચ સેન્ટર કોર્ડીનેટર કંદર્પભાઈ જોશી તેમજ સી.આર.સી રમેશભાઈ ચૌધરી, રાષ્ટ્રીય શૈ. મહાસંઘ, પ્રાથમિક શિક્ષક સંઘ, જિલ્લા અને તાલુકા ઉત્કર્ષ મંડળ, કપડવંજ તાલુકા શરાફી મંડળીના ચેરમેન સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓ, ઓલ્ડ પેન્શન સ્કીમ ટીમ અને હિત રક્ષક સમિતિના કાર્યકરો દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે ભાજપના દંડક પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન, રંજનબેન પરમાર સર્વે દ્વારા પુષ્પગુચ્છ, પ્રમાણપત્ર, મેડલ, પુસ્તક અને 5,000 રૂપિયા રોકડ એનાયત કરવામાં આવેલ છે. સમગ્ર શિક્ષણ જગત, શાળા પરિવાર તેમના માતા, પિતા, પતિ અને બાળકો અને સમાજે એવોર્ડ મળતાં ગર્વની લાગણી અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...