કપડવંજનો રાજકીય ઇતિહાસ:ભલે ગમે તે હવા ચાલતી હોય પરંતુ અહીં તો કોંગ્રેસનો જ દબદબો, ભાજપ માત્ર 3 વખત જ ફાવી

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંચણી 2022ના ચારેકોર પડઘમ વાગી ચૂક્યાં છે. સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્યને ભાજપનો ગઢ માનવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં પણ હજુ એવી કેટલી બેઠકો છે જ્યાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. તેમાં ભલેને પછી મોદી લહેર હોય કે 'આપ'ની એન્ટ્રી, ત્યાં તો માત્ર કોંગ્રેસ જ મેદાન મારવામાં ફાવી જાય છે. આવી બેઠકોમાંની જ એક બેઠક એટલે નડિયાદ જિલ્લાની કપડવંજ બેઠક કે જ્યાં અત્યાર સુધી સૌથી વધુ વખત કોંગ્રેસે જ મેદાન માર્યુ છે. ભાજપ માત્ર 3 વાર જ જીત મેળવવામાં સફળ રહી છે. ત્યારે આ વખતે બેઠક કબજે કરવા ભાજપે રાજેશભાઈ એમ.ઝાલાને ટિકિટ આપી છે, તો કોંગ્રેસમાંથી હજુ નામ ફાઈનલ કરાયું નથી, પરંતુ કાળુસિંહ ડાભીને ટિકિટ મળશે તેવું ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. જ્યારે 'આપ'ના મનુ પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે. તો જોવુ રહ્યું આ વખતે કોણ બાજી મારશે...

ચાર વખત જીત મેળવેલા બુધાજી ચૌહાણ
ચાર વખત જીત મેળવેલા બુધાજી ચૌહાણ

સૌથી વધુ વખત જીતનો રેકોર્ડ બુધાજી ચૌહાણના નામે
કપડવંજ વિધાનસભાનો ઇતિહાસ જોઈએ કોંગ્રેસના બુધાજી જીતાજી ચૌહાણ વર્ષ 1972, 1975, 1980 અને 1985 માં સતત ચાર વખત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. જે રેકોર્ડ આજ દિન સુધી કોઈ તોડી શક્યું નથી. ગુજરાત રાજ્યની પહેલી વિધાનસભા ચૂંટણીમાં 1962માં કોંગ્રેસના ઉત્સવ પરીખે સ્વતંત્ર પક્ષના ધનવંતલાલ શ્રોફને હરાવ્યા હતા. ઈ.સ 1967માં સ્વતંત્ર પક્ષના કસ્તુરલાલ.એન દોશીએ કોંગ્રેસના ઉત્સવભાઈ પરીખને હરાવ્યા હતા.

સતત 4 ટર્મ સુધી જીતનો સીલસીલો જાળવી રાખ્યો
વર્ષ 1972માં નેશનલ કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશનના બુધાજી જીતાજી ચૌહાણે કોંગ્રેસના પૂનમચંદ પટેલને હરાવ્યા હતા, વર્ષ 1975માં કોંગ્રેસના બુઘાજી જીતાજી ચૌહાણે ભારતીય જનસંઘના વિનોદચંદ્ર શાહને હરાવ્યા હતા. વર્ષ 1980માં ઇન્દિરા કોંગ્રેસના બુધાજી જીતાજી ચૌહાણે જેએનપી(જેપી) ના પૂનમચંદ પટેલને હરાવ્યા હતા. વર્ષ 1985માં કોંગ્રેસના બુધાજી જીતાજી ચૌહાણે જેએનપી (જેપી)ના રાયસીંગ ઝાલાને હરાવ્યા હતા. વર્ષ 1990માં કોંગ્રેસના રતનસિંહ રાઠોડે ભાજપના મણીભાઈ પટેલને હરાવ્યા હતા.

1995માં પહેલીવાર ભાજપના મણીભાઈ પટેલે કોંગ્રેસના બુધાજી ચૌહાણને હરાવ્યા
1995માં પહેલીવાર ભાજપના મણીભાઈ પટેલે કોંગ્રેસના બુધાજી ચૌહાણને હરાવ્યા

ભાજપે પહેલી જીત મેળવી
વર્ષ 1995માં ગુજરાતમાં ભાજપની પ્રથમ સરકાર બની અને સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનો પવન ફુકાંયો હતો. જેનો લાભ લઈને ઈ.સ.1995માં ભાજપના મણીભાઈ પટેલે કોંગ્રેસના બુધાજી જીતાજી ચૌહાણને હરાવ્યા હતા. વર્ષ 1998માં ભાજપના બિમલ શાહે કોંગ્રેસના બુધાજી ચૌહાણને હરાવ્યા હતા. વર્ષ 2002માં ભાજપના બિમલ શાહે કોંગ્રેસના કિશોરસિંહ સોલંકીને હરાવ્યા.

2007માં કોંગ્રેસે ફરી કબજો મેળવ્યો, જે હજુ યથાવત
વર્ષ 2007માં કોંગ્રેસના મણીભાઈ પટેલે ભાજપના બિમલ શાહને હરાવ્યા હતા. વર્ષ 2012માં કોંગ્રેસના શંકરસિંહ વાઘેલાએ ભાજપના કનુભાઈ ડાભીને હરાવ્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના કાળુસિંહ ડાભીએ ત્રિપાખીયા જંગમાં ભાજપના કનુભાઈ ડાભીને હરાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2017ની છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખીયા જંગમાં કોંગ્રેસના કાળુસિંહ ડાભીએ 27,226 મતની લીડથી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના કાળુસિંહ ડાભીને 85,195 મત, ભાજપના કનુભાઈ ડાભીને 57,969 મત અને અપક્ષ ઉમેદવાર બીમલ શાહને 45,339 મત મળ્યા હતા. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખીયા જંગમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...