મૂળ ભાડુઆતો ખુશ:કપડવંજમાં પાલિકાની દુકાનો પેટા ભાડુઆતને રૂ15 હજારના ઊંચા ભાડે અપાતી હોવાની રાવ

કપડવંજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાની સામાન્ય સભા રદ્દ કરી દેવાતાં કાઉન્સિલરો અંદરખાને આમને સામને જોવા મળ્યાં
  • ભાડા વધારાના મુદ્દે યોજાનારી પાલિકાની સભા રદ્દ થતા આવક વધવાના આયોજન પર પૂર્ણ વિરામ

કપડવંજ નગરપાલિકાની આવકમાં વધારો કરવા માટે ભાડા વધારાના એજન્ડા સાથે મળનારી સામાન્ય સભા તાજેતરમાં રદ્દ થઈ હતી. બે દિવસ પૂર્વે મળનારી સામાન્ય સભા રદ થતાં ભાડુઆત દુકાનદારો અને નગર પાલિકાના કાઉન્સિલરોમાં આનંદ છવાયો હતો. જોકે જાગૃતજનોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.

કપડવંજ નગરપાલિકા દ્વારા તારીખ 12મી માર્ચે મળનારી સામાન્ય સભા અંગેનો એજન્ડા 10 દિવસ અગાઉથી જ કાઉન્સિલરોને પહોંચાડી દેવામાં આવ્યો હતો. પરંતુ એકાએક સામાન્ય સભા રદ કરી દેતા આ મુદ્દે પાલિકાના કાઉન્સિલરો અંદર ખાને આમને સામને જોવા મળી રહ્યા છે. નગરપાલિકા પ્રમુખ મોનિકાબેન પટેલે પોતાની સત્તાનો ઉપયોગ કરી મળનારી સામાન્ય સભા એકાએક મોકુફ કરતા 540 જેટલી દુકાનોનો ભાડાપટ્ટો વધારવાના એજન્ડા ને લઈ કોકડું ગુંચાયું હતું. પાલિકાની દુકાનોના ભાડા વધવાથી પાલિકાને તેનો સીધો લાભ આવક પર થવાનો હતો. પરંતુ સભા રદ થતાં હવે પાલિકાની આવક વધશે નહીં.

સૂત્રો મુજબ નગરપાલિકાની કેટલીક દુકાનોના ભાડા રૂા.600 થી રૂા.1500 નગરપાલિકા વસૂલ કરે છે. પરંતુ કેટલાક દુકાનદારો દ્વારા પેટા ભાડુંઆતને દુકાન આપી રૂા.10 હજાર થી રૂા.15 હજાર જેટલું ભાડુ વસૂલવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે વધતી મોંઘવારીના હિસાબે કપડવંજ નગરપાલિકાએ કરેલો ભાડા વધારવાનો નિર્ણય હાલ પૂરતો મોકુફ રહેતા દુકાનદારોમાં પણ ખુશી જોવા મળી હતી.

જુના નિયમો ચકાસવા પડશે
દુકાનો પેટા ભાડવતને અાપતી હોવાની જાણ નથી. જેતે સમયે નગરપાલિકા ની ભાડે આપેલી દુકાનોમાં નિયમો શું હતા તે અમારે તપાસવા પડશે. જે બાદ આગળની કાર્યવાહી હાથ ધરવી પડશે જે માટે સામાન્ય સભા હાલ પૂરતી રદ્દ કરી છે.> સાવન રતાણી, ચીફ ઓફિસર, કપડવંજ નગરપાલિકા

ખોટી રીતે ભાડુ વધારવાનું હોય મેં વિરોધ કર્યો
નગરપાલિકાની માલિકીની દુકાનો જે તે સમયે જાહેર હરાજીમાં ભાગ લઈ દુકાનો ભાડે લેવામાં આવી હતી. જેમાં દુકાનદારો સમયસર પાલિકાને ભાડું ચૂકવી રહ્યા છે. જેથી કરારના નિયમો પ્રમાણે ભાડું પાલિકાને ચૂકવતા હોવા છતાં અધવચ્ચે ખોટી રીતે ભાડુ વધારવા મુદ્દે વેપારીઓ સાથે અન્યાય થતો હોય મેં તેનો વિરોધ કર્યો છે. મારા વિરોધને કારણે આ કામ બંધ રહ્યું છે. > મનુભાઈ પટેલ, કાઉન્સિલર, કપડવંજ નગરપાલિકા.

અન્ય સમાચારો પણ છે...