શિક્ષકોએ કર્યુ કલાનું પ્રદર્શન:કપડવંજના શિક્ષકો જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ઝળક્યા; વાદન ઓર્ગન વિભાગમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતિય ક્રમ મેળવ્યો

કપડવંજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, ખેડા (નડિયાદ) સંચાલિત કલા મહાકુંભ 2022 અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધા શ્રી સંતરામ વિદ્યાલય ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, સંતરામ મંદિર નડિયાદ ખાતે યોજાઈ હતી. જેમાં અલગ અલગ 9 વિભાગને લઈને સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાના શિક્ષકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા 21થી 59ના વયજૂથ માટે યોજવામાં આવી હતી. જેમાં વાદન ઓર્ગન વિભાગમાં ભાગ લઈ કપડવંજ તાલુકાના મોટા રત્નાગીરી પ્રાથમિક શાળાના શિક્ષક આશિષકુમાર આઈ. કડિયાએ પ્રથમ અને કસરજીના મુવાડા (અલવા) પ્રાથમિક શાળાના શિક્ષક સંજયકુમાર કે. નાયકે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. આ પ્રસંગે તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેથી સમગ્ર કપડવંજ પંથકમાં શિક્ષણ આલમમાં ખુશી વ્યાપી જવા પામી હતી અને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અલગ અલગ 9 વિભાગને લઈને સ્પર્ધા યોજાઈ
છેલ્લા બે દિવસથી નડિયાદ ખાતે આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, ભજન, એકપાત્ર અભિનય, પ્રાચીન અને અર્વાચીન ગરબા, ઓર્ગન, હાર્મોનિયમ, નૃત્યો, કાવ્ય લેખન, ગઝલ, શાયરી, લગ્ન ગીત, સમૂહગીત, સ્કૂલ બેન્ડ, દોહા, છંદ, ચોપાઈ, વાર્તા, ચિત્ર કલા, હળવું કંઠ્ય સંગીત જેવા વિવિધ વિષયોના અનુસંધાને આ કલા મહાકુંભ યોજાયો હતો. જેમાં બંન્ને શિક્ષકો કલા અંતર્ગત પસંદગી પામતા અને વિજેતા થતા કપડવંજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અરવિંદભાઈ ડાભી, બી.આર.સી. કંદર્પભાઈ જોશી તેમજ તાલુકાના શિક્ષકો, અને શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે જોડાયેલ તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...