પાટીદાર વાડીમાં સ્નેહમિલન યોજાયો:ભારત વિકાસ પરિષદ કપડવંજમાં, 'રાજકીય પરિસ્થિતિમાં આપણું કર્તવ્ય' પર કમલેશ પટેલે પ્રવચન આપ્યું

કપડવંજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત વિકાસ પરિષદ, કપડવંજ શાખાનું સ્નેહ મિલન સવાસો ગોળ કડવા પાટીદારની વાડીમાં યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિસ્તાર કાર્યવાહ કમલેશ પટેલે "વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં આપણું કર્તવ્ય" વિષય પર માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં આપણે સૌએ મફતીયા રેવડી કલ્ચર સામે સતર્કતા દાખવી રાષ્ટ્રવાદી પાર્ટીને સમર્થન કરવું જોઈએ. નાની-મોટી સમસ્યા કે મન દુઃખને બાજુએ મૂકી રાષ્ટ્રહિતને સર્વોપરી ગણી અયોધ્યા, કાશી, વારાણસી, પાવાગઢ, અંબાજી, સોમનાથ જેવા તીર્થધામોની કાયાપલટ કરનાર, 370 કલમને હટાવનાર, હિન્દુ અને હિન્દુત્વનું રક્ષણ કરનાર પક્ષને વિજય બનાવવા તેઓએ અપીલ કરી હતી. સાથે સાથે તેઓએ લોકશાહીના આ મહાપર્વમાં સો ટકા મતદાન થાય તે માટે પણ અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
આ પ્રસંગે સંસ્થાના સભ્યોમાં ગાયક કલાકાર તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દિશાંક ગોપાલ ભટ્ટ (મુંબઈ ફિલ્મ એકેડેમીમાં વોકલ પ્લેબેક સિંગરનો ડિપ્લોમા અભ્યાસક્રમ પાસ, આગ્રાના ઘરાનાના શિષ્ય તથા સંગીત વિશારત પાસ હાલમાં આગ્રા ઘરાનામાં પંડિતનો અભ્યાસક્રમ ચાલુ), શ્રી મહાલક્ષ્મી સહકારી ગ્રાહક ભંડારમાં મંત્રી પદ મેળવવા બદલ ધર્મેશ શાહ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં ખજાનચી અને બ્લડ બેન્કમાં મંત્રી બનવા બદલ શાંતિલાલ પ્રજાપતિ, પીપલ્સ બેંકમાં ડિરેક્ટર, કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ પદ મેળવવા બદલ નવીનભાઈ પટેલનું ચંદન તિલકથી સન્માન કરી સંસ્થાએ ગૌરવ અનુભવ્યું હતું. આ પ્રસંગે દીશાંક ભટ્ટે પોતાના સુમધુર અવાજમાં બે ગીતો ગાઈને પોતાની કલાનું પ્રદર્શન કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. આ કાર્યક્રમમાં મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

સભ્યોએ ભારે જહેમત ઉઠાવી
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સંસ્થાના પ્રમુખ સુરેશ પારેખે, આભાર વિધિ મંત્રી ગોપાલ ભટ્ટે, કાર્યક્રમનું સંચાલન ડો. જે.આર. ચૌહાણે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપપ્રમુખ ડો. અલ્પેશ રાવલ, રાહુલ પરમાર, સહમંત્રી શાંતિલાલ પ્રજાપતિ, મનસુખ વાલાણી, દીપક શાહ, દીપક તલાટી, મહિલા સહ સંયોજિકા જીજ્ઞા રાવલ, કિસ્મત પટેલ, દિનેશ પટેલ, જે. ડી. પટેલ અને ડો. દીપેન શાહ સહિત સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...