સરપંચને હોદ્દા પરથી દૂર કરાતાં ચકચાર:ઝંડા ગામના સરપંચે વિકાસના કામનો પેટા કોન્ટ્રાક્ટ ભાઈને આપી સત્તાનો દુરુપયોગ કર્યો, DDOએ હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો

કપડવંજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે રૂ. 1 લાખ 44 હજાર ચેક દ્વારા પોતાના ભાઈને ચૂકવીને સત્તાનો દુરુપયોગ કર્યો

ખેડા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઝંડા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ થયો છે. આ હુકમને પગલે ઝંડા ગામમાં અને આજુબાજુના ગામોમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ સરપંચે વિકાસના કામનો પેટા કોન્ટ્રાક્ટ પોતાના સગા ભાઈને આપ્યો હતો. હુકમમાં સરપંચે પંચાયતના નિયમનો ભંગ કર્યો હોવાનું સાથે જ, સરપંચે આ કામના નાણાં રૂ. 1 લાખ 44 હજાર ચેક દ્વારા પોતાના ભાઈને ચૂકવીને સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું જણાવાયું છે.

પોતાના ભાઈને ગામના વિકાસ કામોનો પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો
ઝંડા ગામના સરપંચ પર્વતસિંહ રૂપાભાઈ રાઠોડે પોતાના અંગત સ્વાર્થ માટે સત્તાનો દુરુપયોગ કરી પોતાના સગા ભાઈ બાબુભાઇ રૂપાભાઈની એજન્સીને ગામના વિકાસ કામોનો પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ઝંડા ગામના સરપંચ દ્વારા વર્ષ 2021-2022માં એટીવીટી યોજના અંતર્ગત ઝંડા પ્રાથમિક શાળામાં બોર પપીંગ મશીનરીના કામ પેટા કોન્ટ્રાક્ટથી બાબુભાઇ રાઠોડની એજન્સીને આપવા અંગેનો ઠરાવ કરીને પોતાના સગા ભાઈને આપવામાં આવ્યો હતો. આ માટેના કામના નાણાં રૂ. 1 લાખ 44 હજાર 710 ચેકથી સરપંચ દ્વારા કોન્ટ્રાક્ટર બાબુભાઈને ચુકવણું કરી દેવામાં આવ્યું હતું.

સરપંચે સત્તાનો દુરુપયોગ કરીને નિયમોનો ભંગ કર્યો
આ બાબતે કપડવંજ તાલુકા પંચાયતના સભ્ય નિશાંતકુમાર બી. પટેલ દ્વારા જિલ્લા પંચાયતમાં ઝંડા ગામના સરપંચે સત્તાનો દુરુપયોગ કરીને પંચાયત અને ગૃહ નિર્માણ વિભાગના પરિપત્રોની શરતોનો ભંગ અને પંચાયતના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાથી સરપંચ પર્વતસિંહ રાઠોડ વિરુદ્ધ પગલાં ભરવા અંગેની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના આધારે જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ સરપંચને સાંભળ્યા બાદ તેમણે સત્તાનો દુરુપયોગ કરીને નિયમોનો ભંગ કર્યો હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું. આ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(2) હેઠળ ઝંડા ગામના સરપંચ પર્વતસિંહ રૂપાભાઈ રાઠોડને સરપંચના હોદ્દા ઉપરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...