• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Kapadvanj
  • Jabala Gave Darshan To The Sage So Eagerly That He Was Called 'Utkantheshwar Mahadev'; The People Of The Surrounding Area Are Also Known By The Nickname Of 'Camel Mahadev'

30 દિવસ, 30 શિવમંદિર:જાબાલા ઋષિને સ્વયં ઉત્કંઠાથી દર્શન આપેલાં, જેથી ‘ઉત્કંઠેશ્વર મહાદેવ’ કહેવાયા; ત્યાંના લોકો ‘ઊંટડિયા મહાદેવ’ના હુલામણા નામથી ઓળખે છે

કપડવંજ13 દિવસ પહેલા
  • મહાદેવનું શિખરબંધી મંદિર નદીના તટમાં પ્રવેશદ્વાર ધરાવે છે, જ્યાં જાબાલા ઋષિની પ્રતિમા છે
  • શ્રાવણ માસમાં અહીં મહાપુજાનું આયોજન થાય છે.
  • દર રવિવારે દર્શનાર્થીઓની સંખ્યા વિશેષ પ્રમાણમાં જોવા મળે છે

પવિત્ર શ્રાવણ માસ એટલે શિવનો અનુપમ મહિમા! શિવ ભક્તો ભોળા શિવના આશીર્વાદ મેળવવા રોજબરોજ પ્રાર્થનાઓ, શ્લોક, શિવ આરાધના કે શિવનો મહિમા ગાતા હોય છે. સાથે જ, રાજ્ય કે દેશભરમાં આવેલા શિવના પ્રાચીનતમ મંદિરોનો પ્રવાસ ખેડી પ્રભુ શિવના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે ખેડા જિલ્લાના કપડવંજથી 17 કિલોમીટર અને અમદાવાદ જિલ્લાના દહેગામથી 22 કિલોમીટર એમ બંને ખેડા જિલ્લાની સરહદ રેખા પર વાત્રક નદી કાંઠે આવેલ શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ જેને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો "ઊંટડિયા મહાદેવ"ના હુલામણા નામથી પણ ઓળખે છે.

શું છે પૌરાણિક કથા
નદી કિનારે ચોતરફ પ્રાકૃતિક અને રમણીય વાતાવરણ વચ્ચે આવેલા મંદિરનો ઇતિહાસ જોઈએ તો, શ્રી સત્યકામ જાબાલા ઋષિ આશ્રમ તરીકે આશરે બે હજાર વર્ષથી પુરાણ પ્રસિધ્ધ છે. સત્યકામ જાબાલા ઋષિના તપોબળથી કાશી વિશ્વનાથ શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવરૂપે પ્રગટ થયા. આ મંદિરમાં શિવાલય સંપૂર્ણ દેખાતું નથી, પરંતુ પાતાળમાં હોય એમ પ્રતીતિ કરાવતું બાણ ભૂગર્ભમાં છે. મહાદેવનું શિખરબંધી મંદિર નદીના તટમાં પ્રવેશદ્વાર ધરાવે છે, જ્યાં જાબાલા ઋષિની પ્રતિમા છે. કહેવાય છે કે, મહામૂની જાબાલા કાશીથી બાણ લાવેલા અને જાબાલા ઋષિને સ્વયંમ ઉત્કંઠાથી દર્શન આપેલા જેથી ઉત્કંઠેશ્વર મહાદેવ કહેવાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન અર્થે આવે છે અને ભગવાન શિવને પ્રાર્થના અને ગુણગાન સાથે જ મંદિરના પૂજારી દ્વારા પૂજા અર્થે શ્લોક બોલાવીને બીલીપત્ર અને રુદ્રાભિષેક કરી ધન્યતા અનુભવે છે. આ મંદિરમાં હનુમાનજી, ભૈરવનાથ, ગણપતિ, કાર્તિકેય અને માતા પાર્વતીની પણ મૂર્તિના દર્શન કરવા મળે છે. વાત્રકના વહેતા પાણી વચ્ચે દેવડુંગરી નામે નદીની વચ્ચે મંદિર આવેલ છે. અહીં નાના બાળકોના વાળ ઉતરાવી કે બાળાવાળ કરી ત્યાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. નદીના કિનારે ઊંટ સવારી કરવી એ નાના મોટેરાઓ માટે એક અલગ જ પ્રકારનો આનંદ હોય છે.

દર્શનાર્થીઓની સંખ્યા રવિવારે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે
આ પવિત્ર ધાર્મિક સ્થળ ઉત્કંઠેશ્વર મહાદેવમાં બારેમાસ ભક્તોની આસ્થા જોડાયેલી છે. અહીં દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોને પર્યટક સ્થળ જેવો અહેસાસ થાય છે. જેથી દર રવિવારે દર્શનાર્થીઓની સંખ્યા વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ઉપરાંત, દિવાળીમાં રજાના તહેવારોમાં અહીં દૂર દૂરથી મોટી મોટી ટ્રાવેલ્સમાં પ્રવાસ કરતા દર્શનાર્થીઓ અને શાળા કે કૉલેજના વિદ્યાર્થીઓની ટુર પણ અહીં ગોઠવાતી હોય છે. જેમાં ખેડા જિલ્લા અને અમદાવાદ જિલ્લાના ભક્તો વધારે પ્રમાણમાં આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રાવણ માસના પવિત્ર મહિનામાં અને શિવરાત્રી નિમિત્તે અહીં લોકમેળા જેવું આયોજન થાય છે. સાથે જ વ્યવસ્થાના ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે. અહીં ડ્યુટી કરતા પોલીસ સહિતના સુરક્ષા કર્મીઓ દર્શનાર્થે આવેલ ભક્તો માટે ખડે પગે રહે છે.

લોકોની સગવડતા માટે અહીં સમાજવાડીઓ બાંધેલી છે
અહીં ઉત્કંઠેશ્વર મહાદેવના ભવ્ય મંદિરની સાથે સાથે આશાપુરા માતાજીનું મંદિર, લીંબચ માતાજીનું મંદિર સહિત ઘણા નાના-મોટા મંદિર આવેલા છે. સાથે જ વૃદ્ધાશ્રમ, સિનિયર સીટીઝન માટે વાન પ્રસ્થાશ્રમ અને યોગશ્રમ આવેલા છે. રસ્તા ઉપર સરસ અને આયોજન પૂર્વક અનેક સમાજના લોકોને અહીં સવલત મળી રહે એવા આશયથી સમાજવાડીઓ બાંધી છે, જે લોકોને મદદરૂપ થઇ રહી છે.

મંદિરનો સમય સવારે 05:30થી સાંજે 08:30નો હોય છે
ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરના મેનેજર દિલીપભાઈ સેવક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મંદિરનો સમય સવારે 05:30થી સાંજે 08:30નો હોય છે. જેમાં સવારે 05:30 કલાકે મંદિર ખુલતાં જ મહાદેવની આરતી કરવામાં આવે છે અને સાંજે સૂર્યાસ્ત પછી આરતી થાય છે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, યાત્રિકો આવે છે. વ્યવસ્થાના ભાગરૂપે પાર્કિંગ, નાના મોટા સહુ કોઈ ખરીદી શકે તેવી દુકાનો, ખાણી પીણીની લારીઓ અને હોટલોની અહીં વ્યવસ્થા હોય છે. જેથી દર્શનાર્થે આવેલ કોઈને અગવડ ના રહે. ઉત્કંઠેશ્વર મહાદેવ પૂજારી મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટી નવીનભાઈ સેવક એડવોકેટ, મહેશભાઈ સેવક તેમજ કારોબારી સભ્યો ભીખાભાઈ સેવક, અનિલભાઈ સેવક, ચેતનભાઇ સેવક, હિતેશભાઈ સેવક, લક્ષ્મી શંકર સેવક તેમજ મેનેજર દિલીપભાઈ સેવક ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરનું સંચાલન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...