સરદાર પટેલ જળસંચય યોજના હેઠળ બનાવવામાં આવેલા ચેકડેમોમાં જળ સ્તર ઊંચું આવે તેવા હેતુથી ડેમોમાંથી માટી કાઢી ઉંડા કરવાની કામગીરી મહી સિંચાઇ વિભાગ દ્વારા હાથ ધરી છે. જેમાં તંત્રના અધિકારીઓની મિલીભગતથી અંદાજપત્ર મુજબ કામ ન કરવામાં આવતા નાણાંનો દુર્વ્યય થઇ રહ્યો હોવાનું બહાર આવ્યું છે. મહી સિંચાઇ વિભાગ દ્વારા સરદાર પટેલ જળસંચય યોજના હેઠળ અગાઉ ચેકડેમો બનાવવામાં આવ્યા હતા. જેમાં માટી અને કાપ કાઢી જળ સ્તર ઊંચું આવે તેવા હેતુથી સદર ચેકડેમોમાંથી માટી કાઢી ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જેમાં તાલુકાના ખડોલ ગ્રામ પંચાયતમાં અને માલ ઈટાડી પગી ભાગ ગ્રામ પંચાયતના ચેકડેમોની કામગીરી હાલ ચાલી રહી છે. આ કામગીરીમાં તંત્રના એન્જિનિયર તથા કોન્ટ્રાક્ટરની મિલીભગતથી એસ્ટીમેન્ટ અને અંદાજપત્ર મુજબ કામ ન કરવામાં આવ્યા હોવાની ગ્રામજનોમાં ચર્ચા છે. માત્ર એક ચેકડેમમાં પાંચ થી છ કલાક જેસીબી મશીન ચલાવી પૂરતી માટી કાઢવામાં આવતી નથી.
માટીને ખરેખર દૂર લઈ જવાની હોવા છતાં માટીને કાકરા કોતરની પાળ પર નાખવામાં આવે છે. જેનાથી માટી વરસાદથી ધોવાઈ કોતરમાં જ પાછી આવી જશે. અને જળ સંચયનો હેતુ સિદ્ધ નહી થાય. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી સરકારના નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.