કપડવંજમાં વોર્ડ નંબર છમાં ડાકોર રોડ ઉપર આવેલી શિવમ પાર્ક સોસાયટીમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી સતત ગટરના પાણી વહી રહ્યાં છે. કપડવંજ નગરપાલિકામાં વારંવાર લેખિત તથા મૌખિક ફરિયાદ કરવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવેલો નથી. આથી શિવમ પાર્ક સોસાયટી રણછોડ નગર સોસાયટી તથા નંદનવન સોસાયટીના રહીશો આ ગટરના પાણીથી ખૂબ ત્રાહિમામ પોકારી રહ્યા છે. ઉપરાંત ચોમાસાની સિઝન દરમિયાન રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે. વડાપ્રધાન દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે, આમ છતાં આ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. જેના પગલે રહિશોએ રજૂઆત કરી છે.
ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી તાત્કાલિક ધોરણે પ્રશ્નો હલ થાય તેવી માંગ
છેલ્લા દસ વરસથી શિવમ પાર્ક સોસાયટી તથા ડાકોર રોડને જોડતા રસ્તા તથા ગટર લાઈન અંગે ઘણા બધા રૂપિયાનો ખર્ચ કરવા છતાં આ સમસ્યાનો નિકાલ આવેલો નથી. રસ્તા પરથી શાળામાં જતા વિદ્યાર્થીઓને ખૂબ જ અવરજવર રહે છે. તથા સાંઈબાબાના મંદિરે આવતા દર્શનાર્થીઓને પણ ખુબ જ તકલીફ પડે છે તો આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ માટે નગરપાલિકામાં લેખિત રજુઆત સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવી છે. શિવમ પાર્ક સોસાયટીના રહીશોએ નગરપાલિકા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી તાત્કાલિક ધોરણે પ્રશ્નો હલ થાય તેવી માંગણી કરી છે.
પાઇપ લાઇન નાખવાનું કામ આગામી દિવસોમાં શરૂ થઈ જશે - પાલિકા પ્રમુખ
ત્યારે, આ વિશે નગરપાલિકા પ્રમુખ મોનિકાબેન પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જે તે સમયે આ કામગીરી દરમિયાન બેલેન્સિંગ લેવલનું ધ્યાન રાખવામાં આવ્યું નહિ હોય તેના કારણે ગટર ઉભરાવવાના પ્રશ્નો હોઈ શકે. ઉપરાંત, હાલ તો આ પ્રશ્ન કે સમસ્યાના ઉકેલ માટે સ્ટ્રોંગ વૉટર પાઇપ લાઇન નાખવાનું કામ આગામી દિવસોમાં શરૂ થઈ જશે અને તેના માટેના પ્રયાસો ચાલુ જ છે. સાથે જ લોકો દ્વારા જાણવા મળ્યું છે કે વરસાદના સમયે લોકો દ્વારા વરસાદી પાણીનો નિકાલ સીધો ગટરમાં કરતા થતો હોય છે. જે ન કરવા લોકોને અપીલ કરાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.