રસ્તો બન્યો માથાનો દુઃખાવો:કપડવંજ તાલુકાના મોટા રામપુરામાં છેલ્લા બે દાયકાથી રસ્તાની સ્થિતિ દયનીય; નિકાલ નહિં આવે તો આંદોલનની ચીમકી

કપડવંજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ તાલુકાના મોટા રામપુરામાં છેલ્લા બે દાયકાથી એટલે કે વીસ વર્ષથી આ રોડ એટલી હદે ભંગાર છે કે આ રોડનું અસ્તિત્વ પણ મટી જવા જેવું થઈ ગયું છે. ઉપરાંત, આ ગામના ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. તેમજ વાહનચાલકો, રીક્ષાવાળાઓ પણ આ ગામમાં આવવા માટે ઘણીવાર તો ના પાડી દેવાનું જાણવા મળી રહ્યું છે. અને એમાં પણ મોટા રામપુરા પાટીયાથી ગામમાં ઘણા લોકોને ચાલીને જવાનો વારો આવે છે. જેના કારણે ગામના અભ્યાસ અર્થે બહાર જતા વિદ્યાર્થીઓ પણ શાળા, કોલેજોમાં સમયસર પહોંચી શકતા નથી. ઉપરાંત, ગ્રામજનો તાત્કાલિક બિમાર વ્યક્તિ માટે 108ને પણ પ્રવેશ માટે મુશ્કેલ બની ગયું છે.

પાઇપ લાઇનની ઊંડાઈ ઓછી હોવાથી વારેઘડી તૂટી જતાં પાણીનો રસ્તા પર વેડફાટ
તેમજ ગામડામાં મોટે ભાગના લોકોના મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હોય છે. ત્યારે લોકોને પોતાની આજીવિકાના કામઅર્થે જવા આવવામાં બહુ મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યાનું જાણવા મળેલ છે. ઉપરાંત, દુધના ટેન્કરને પણ દુધ મંડળી તરફ જવામાં મુશ્કેલ બને છે. તો બીજી બાજુ વરસાદ પડતાં તેમજ પાણીની લાઈનની ઊંડાઈ ઓછી હોવાથી વારંવાર પાણીની પાઇપ તુટી જવાથી આખા રોડ ઉપર પાણીને કાદવ કીચડ અને તેના કારણે ખાડા પડી ગયા છે. ઉપરાંત પાણી ભરાવાના કારણે મચ્છરજન્ય રોગચાળાની દહેશત ફેલાવાની શક્યતાઓ ઘણી છે. તે માટે ગ્રામજનોએ આક્રમકતા સાથે જણાવ્યું હતું કે, જો આ રોડ વહેલી તકે બનાવવામાં નહિં આવે તો ના છુટકે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉપરાંત, વિધાનસભા ચૂંટણીમાં ગ્રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે. તો તંત્ર દ્વારા ઝડપી આનો યોગ્ય ઉકેલ આવે તેમ ગ્રામજનો હાલ ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...