કપડવંજમાંથી પસાર થતા સ્ટેટ હાઇવેની આસપાસ આવેલ ફૂટપાથ પર દુકાનદારો, લારી ગલ્લા વાળોએ દુકાનનો માલસામાન મુકી દેતા રાહદારીઓને પસાર થવાની વારી આવી હતી. સ્થાનિકો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઇ હલ ન આવતા રાહદારીઓ રસ્તે ચાલવા મજબૂર બન્યા હતા.કપડવંજ શહેરમાંથી નડિયાદ મોડાસાને જોડતો સ્ટેટ હાઇવે પસાર થાય છે અને આ સ્ટેટ હાઇવે પર દિવસ દરમિયાન 10 હજારથી વધુ વાહનોની અવરજવર રહેતી હોય છે. ત્યારે સ્ટેટ હાઇવેની બંને બાજુ રાહદારીઓ અને ચાલવા માટેના ફૂટપાથ પર લારીઓ તેમજ દુકાનદારોએ પોતાનો માલ સામાન મૂકી દઈ ફૂટપાથને રોકી લીધો છે.
જેને પરિણામે રાહદારીઓ સ્ટેટ હાઇવેના માર્ગ પર મજબૂર બન્યા છે. અવારનવાર રાહદારીઓ રોડ પર ચાલવાની પરિણામે અકસ્માતનો ભોગ પણ બન્યા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવેલા છે. રોડ પર આડેધડ પાર્કિંગ અને પરિણામે પણ રાહદારીઓને મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે.
આ બાબતે સ્થાનિકો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી અકસ્માત થવાની રાહ જોવાઈ રહી હોય તેમ દુકાનદારો અને લારીવાળાઓને તંત્ર છાવરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેટલાક દુકાનદારોએ પોતાની દુકાન આગળ ગેરકાયદેસર છાપરા બનાવી પોતાનો માલ સામાન દુકાનની બહાર ફૂટપાથ સુધી ખડકે છે. જેથી રાહદારીઓને અડચણ ઊભી થવાની ફરિયાદો ઉઠવા પામી છે.
ટ્રાફિકથી ધમધમતા રોડ પર ચાલવું પડે છે
અમે કપડવંજ શહેરમાં ખરીદી કરવા આવીએ છીએ ત્યારે બસ સ્ટેન્ડથી ચાલતા બજારમાં જઈએ છીએ. ત્યારે રોડ પર ખૂબ જ વાહનો પસાર થાય છે. ચાલતા જવા માટે ફૂટપાથ પર ચાલવાનું હોય પરંતુ ફૂટપાથ પર લારીઓ અને દુકાનદારોએ રોકી લેતા અમે ટ્રાફિકથી ધમધમતા રોડ પર જીવના જોખમે ચાલીને બજારમાં જઈએ છીએ. - વિનુભાઈ પરમાર, રાહદારી.
દબાણો દૂર કરી ફૂટપાથ ખુલ્લો કરાશે
અમને મળેલી રજૂઆતોને પગલે ટૂંક સમયમાં સ્ટેટ હાઇવેની બંને બાજુ ફૂટપાથ પર થયેલા દબાણો દૂર કરી રાહદારીઓ માટે રોડ ખુલ્લો કરીશું. - મોનિકાબેન પટેલ, પ્રમુખ, કપડવંજ નગર સેવા સદન.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.