તંત્રની આળસે લોકો પરેશાન:કપડવંજના દાણા રોડ પરના ગરનાળામાં પાણી ભરાતાં ભારે હાલાકી, અગાઉ રેલવે અધિકારીઓએ રૂબરૂ તપાસ કરી હતી તો પણ નિવેડો નહિ

કપડવંજ5 દિવસ પહેલા
  • વિસ્તારના ભૂમાફિયાઓ દ્વારા રેલવેને નુકશાન, લાંચ આપી રેલવે અધિકારીઓના મોં બંધ કરાવવામાં આવે છે - પૂર્વ સરપંચ

કપડવંજ તાલુકાના કપડવંજ દાણા અનારા સ્ટેટના રસ્તા ઉપર આવેલા રેલવે ગરનાળામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતાં તે વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે આ ગરનાળામાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવા અંગે આ અગાઉ દર વર્ષે સમસ્યાઓ અંગે રેલ્વે સત્તાધીશોને રજુઆતો કરી કરીને થાકી જવા છતાં આ વિસ્તારના ભૂમાફિયાઓ દ્વારા રેલવેને નુકશાન થતું હોવાનું જાણવા મળ્યું હતું. છતાં રેલવેના અધિકારીઓને આ ભૂમાફિયાઓ દ્વારા લાંચ આપી તેમના મોઢા બંધ કરી દેવામાં આવે છે તેમ દાણા ગામના પૂર્વ સરપંચ વિજયભાઈ પટેલે જણાવ્યું હતું. સાથે જ વર્ષોથી જે વોકળા વહેળામાંથી પાણી જતું હતું. તે બંધ કરી અવળી દિશામાં પાણી વાળી જેસીબી મશીનથી રેલવે પેરેલલ મોટી ખાઈ ખોદી લેવલ નહીં મળવા છતાં પાણીનો નિકાલ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે.

રેલવેના અધિકારીઓ અને ભૂમાફિયાઓ ભગવાનથી પણ બીતા નથી - પૂૃર્વ સરપંચ
આ અંગે અગાઉ રેલવે અધિકારી તપાસમાં આવ્યા હતા. દાણા ગામના પૂર્વ સરપંચના જણાવ્યા અનુસાર અમારી રૂબરૂ સ્થળ તપાસ કરી હતી અને આ કામ ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર કરેલાનું ફલિત થયું હતું. તેના નિકાલ માટે જૂની પાણીની જગ્યાએ મોટી પાઈપ લાઈન નાખવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવું તેવો જે-તે જમીન માલિક દ્વારા રૂબરુ નિકાલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં આ માથાભારે જમીન માલિકો આ અંગે કંઈ કરતાં નથી અને રેલવેને ખુબ મોટું નુકસાન થઈ રહ્યું છે. આવું અમે ઉજાગર કરેલું હોવા છતાં ભ્રષ્ટાચારી અધિકારીઓ આ અંગે કંઈ કરવા માંગતા ન હોય તેવું લાગી રહ્યું છે. હવે આ તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું? હવે તો સરકાર કંઈક કરે તો જ આ લોકોને સજા થાય, અને આ કામ થાય તો જ આ વિસ્તારના લોકોને કાયમી રાહત થાય તેમ છે. બાકી રેલવેના આ અધિકારીઓ અને આ ભૂમાફિયાઓ તો ભગવાનથી પણ બીતા નથી તેમ લાગી રહ્યું છે તેવું દાણાના પૂર્વ સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...