ભારતીય સંસ્કૃતિમાં નદીને પવિત્ર ગણીને તેને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર કપડવંજ શહેર પાસેથી પસાર થતી સંગમ નદીમાં કેટલાક તત્વો વાહનોમાં કચરો ભરીને નદીમાં નાખી નદી પ્રદૂષિત કરી રહ્યાં હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેથી શહેરના પર્યાવરણ પ્રેમીઓની લાગણી દુભાઈ રહ્યાનું માલુમ પડે છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે નદીઓને સ્વચ્છ કરવા માટેનું અભિયાન ઉપાડ્યું છે. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ માટે અબજો રૂપિયા પણ ખર્ચાઈ રહ્યા છે. ત્યારે કપડવંજમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા કપડવંજના નડિયાદ રોડ પર પસાર થતી સંગમ નદીમાં વાહનોમાં ભરીને કચરો નાખી નદીને પ્રદૂષિત કરી રહ્યા છે. આ તત્વો વાહનોમાં પ્લાસ્ટિકની મોટી કોથળીઓમાં કચરો ભેગો કરીને મોટા પોટલા બનાવી નદીમાં નાખી રહ્યાં છે. અહીં સવાલએ પણ થાય છે કે, આ પોટલામાં ક્યાં પ્રકારનો કચરો છે? શું એ કોઈ કેમિકલ વેસ્ટ છે કે, પછી કોઈ પ્રાઇવેટ હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ? કારણ કે, હાલ નદીના આ પટમાં આ કચરાની ખૂબ જ ભયંકર વિચિત્ર પ્રકારની દુર્ગંધ મારી રહી છે.
આ તત્વો દ્વારા આવો કચરો કેટલા સમયથી નાખવામાં આવી રહ્યો છે? આ સવાલ લોકોમાં ઉઠવા પામી રહ્યો છે. આ બાબતે વહીવટી તંત્રએ ગંભીરતાથી તપાસ કરી આવા તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ તેવું પર્યાવરણ પ્રેમીઓ ઈચ્છી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.