કપડવંજ રેલ્વે સ્ટેશન પર ચાલતી રો મટીરિયલની કામગીરીને કારણે ફેલાતા પ્રદષણને લઈ સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ઉચ્ચ કક્ષાએ રજુઆતો બાદ પણ સમગ્ર વિવાદનો કોઇ ઉકેલ આવી રહ્યો નથી. ના છુટકે સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સ્થાનિકો દ્વારા અત્યાર સુધી પ્રાંત અધિકારી,પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર, સાંસદ દેવુંસિંહ ચૌહાણ વડોદરા રેલવેના ડી.એમ.આર સહિત અનેક જગ્યાએ રજૂઆત કરી ચુક્યા છે.
કપડવંજમાં રેલવે સ્ટેશન પાસે ચાલી રહેલ રો મટીરીયલની કામગીરીમાં સિમેન્ટનો કાચો માલ ઝેરી કલિંજર હવામાં જવાથી પ્રદૂષણ ફેલાય છે. અને આ પ્રદૂષણના કારણે આજુબાજુ વસતા અનેક લોકોને સ્વાસ્થ્યને ખતરો ઉભો થયો છે. પ્રદૂષણના કારણે વાળ,ચામડી અને ફેફસાને લગતા રોગો થવાનો ભય સ્થાનિક લોકોને ખૂબ સતાવી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તેઓએ આ અંગે અનેક રજૂઆતો કરી છે. પરંતુ હજુ સુધી યોગ્ય પરિણામ મળ્યું નથી. સ્થાનિકો દ્વારા આ યુનિટને અહીંથી ખસેડવાની માંગ પણ કરવામાં આવી છે. પરંતુ રેલવે વિભાગના પેટનું પાણી પણ હલતું નથી. હાલ તો અહીં આજુબાજુ વસતા સ્થાનિક લોકો આ પ્રદૂષણથી ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે. સ્વાસ્થ્યને હાનિકારક આ યુનિટને જલદીથી હટાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.
15 દિ’માં નિરાકરણ નહીં આવે તો આરપારની લડત અપાશે
2018 થી સતત જુદા જુદા અધિકારીઓને રજૂઆત કરાઇ છે. પરંતુ કોઈ કારણસર નિકાલ આપતો નથી. એક ડિપાર્ટમેન્ટ થી બીજા ડિપાર્ટમેન્ટ મોકલ્યા છે. પણ કોઈએ જવાબદારી સ્વીકારી નથી કપડવંજના પ્રાંત અધિકારી ધર્મેશભાઈ મકવાણાએ રેલવેને તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ જાણ કરી છે. હવે જો આ પ્રશ્નનું 15 દિવસમાં નહીં આવે તો આ વિસ્તારના 15 હજાર લોકો પાટા પર સૂઈને આરપારની લડત આપી વિરોધ કરશે. - હિમાંશુ શાહ, વિસ્તારના અગ્રણી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.