કપડવંજ જીઆઇડીસી વિસ્તારના પ્રગતિ એસ્ટેટમાં આવેલી નમકીન બનાવતી ફેક્ટરીમાં રાત્રે 12 વાગ્યે શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ચવાણાની ફેક્ટરીમાં રહેલ કાચો તેમજ પાકો માલ મળીને ખાસ થઈ ગયો હતો. ઘટનાની જાણને પગલે કપડવંજ નગરપાલિકાના ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ બુજાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડ દ્વારા 3 કલાકની ભારે જહેમત દરમિયાન 15 ટેન્કર પાણી છાંટવામાં આવ્યું હતું. અંદાજીત 1.50 લાખ લિટર પાણીનો છંટકાવ કર્યા બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. સમગ્ર ઘટનામાં ફેક્ટરીનું ગોડાઉન, મશીનરી અને કાચો તેમજ તૈયાર માલ મળીને ભસ્મિભૂત થઈ ગયો હતો. રાત્રિનો સમય હોવાથી ગોડાઉન બંધ કરેલું હતું જેના કારણે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી તો ગયા, પરંતુ પાણીનો મારો આગ પર ચલાવવા માટે જેસીબીની મદદ વડે ગોડાઉન ની દિવાલ અને શટર તોડી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
ફેક્ટરીના માલિક વિપુલભાઈ પટેલના જણાવ્યા અનુસાર આશરે ગોડાઉન મશીનરી અને માલ સહિતની સામગ્રી સાથે લાખોનું નુકસાન થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. મધ્યરાત્રીએ લાગેલી આગની ઘટનાને પગલે કપડવંજ ચીફ ઓફિસર સાવન રતાણી અને કપડવંજ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર અજીત ચૌધરી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.