ભાસ્કર વિશેષ:કપડવંજમાં દિવ્યાંગોએ 6 હજારથી વધુ રાખડીઓ બનાવી

કપડવંજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજમાં આવેલ વી.એસ.ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના દિવ્યાંગો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રાખડી અને વાર તહેવારે વેચાતી વસ્તુઓ બનાવીને દિવ્યાંગો માટે રોજગારી ઉભી કરી આપવામાં આવે છે. જેનાથી દિવ્યાંગો પાયાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકે અને જાત મહેનતે સમાજમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરી શકે. આ વર્ષે પણ આ ટ્રસ્ટના દિવ્યાંગો દ્વારા છ હજારથી વધુ રાખડીઓ બનાવવામાં આવી હતી.

પડવંજ શહેરમાં 1985માં મુકુંદભાઈ વાડીલાલ ગાંધીએ તેમની પત્ની શારદાબેનની પ્રેરણાથી વી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. કલા કૌશલ્ય કેન્દ્ર હેઠળ દિવ્યાંગોને રોજગારી મળે રહે તે માટે થઇ વી.એસ.ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ 1996 થી પંથકના દિવ્યાંગ બાળકોને રોજગારી અને પાયાની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવાની કામગીરી કરી રહી છે.

હાલમાં રક્ષાબંધનનો તહેવારને ગણતરીના દિવસો બાકી હોઇ આ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી દિવ્યાંગોને રોજગારી પુરી પાડવાના હેતુથી રાખડીઓ બનાવવામાં આવે છે. આ વર્ષે દિવ્યાંગો દ્વારા છ હજારથી વધુ રાખડી બનાવવામાં આવી હતી. ઉપરાંત રાખડીઓ ઘણી સંસ્થાઓ દ્વારા ખરીદવામાં આવે છે અને સ્ટોલ દ્વારા પણ રાખડીઓનું વેચાણ કરવામાં આવે છે. જેમાં બજારભાવ કરતા સસ્તા ભાવે રાખડીઓનું વેચાણ વી.એસ.ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના દિવ્યાંગો દ્વારા કરવામાં આવ્યું હતું.

સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ રોજગારી પૂરી પાડવાનો છે
આ સંસ્થા રક્ષાબંધન તહેવાર પર રાખડીઓ, દિવાળીના તહેવારે કોડિયા અને વર્ષ દરમિયાન દિવ્યાંગો થકી પડીયા બનાવડાવી દિવ્યાંગોને રોજગારી પુરી પાડી રહી છે. > જીતુભાઈ મકવાણા, સુપ્રિટેન્ડેન્ટ, વી.એસ.ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ.

મિત્ર વર્તુળને પણ ખરીદી કરવા પ્રોત્સાહિત કરું છું
પંથકની ઘણી મહિલાઓ વર્ષોથી દિવ્યાંગો દ્વારા બનાવેલી રાખડીઓની ખરીદી કરે છે અને અન્યને પણ અહીંથી રાખડીઓ ખરીદવા પ્રોત્સાહિત કરે છે. છેલ્લા 7 વર્ષ ઉપરાંતના સમયથી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે વી.એસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવતી રાખડીઓ ખરીદવાનો આગ્રહ રાખું છું. તેમજ મારા મિત્રવર્તુળમાં પણ દિવ્યાંગોએ બનાવેલી રાખડીઓ ખરીદવા પ્રેરિત કરું છું. - ડૉ.રુતિકા પટેલ, કપડવંજ.

અન્ય સમાચારો પણ છે...