શહેરીજનોને સેવાકાર્યમાં મદદરૂપ થવા અપીલ​​​​​​​:કપડવંજના દિવ્યાંગ બાળકોએ માત્ર 50 દિવસમાં 7 હજારથી વધુ રંગબેરંગી કોડિયા બનાવ્યાં

કપડવંજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજના દિવ્યાંગ બાળકોએ 7 હજારથી વધુ રંગબેરંગી માટીના કોડિયા બનાવ્યાં છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના જ્ઞાનબાગ દ્વારા મોટા પ્રમાણમાં કોડિયાની ખરીદી કરી ઉમદા કાર્ય કર્યું છે. સંસ્થાના મહેશ મકવાણા અને ભુપત સોલંકીએ શહેરીજનોને દિવ્યાંગોએ બનાવેલા કોડીયાની વધુમાં વધુ ખરીદી કરી સેવાકાર્યમાં મદદરૂપ થવા અપીલ કરી છે.

રંગબેરંગી-આકર્ષક કોડિયા છેલ્લા ઘણાં વર્ષોથી તૈયાર કરાય છે
કપડવંજમાં આવેલી શ્રી વી.એસ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ વિકલાંગોના પુનર્વસનનું ઉમદા અને શ્રેષ્ઠ કાર્ય કરે છે. આ સંસ્થામાં દિવ્યાંગ સાથે અનેકવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. જેમાં, દિવ્યાંગ બાળકો દિવાળીના પ્રકાશ પર્વ નિમિત્તે છેલ્લા ઘણાં વર્ષોથી રંગબેરંગી અને આકર્ષક માટીના કોડિયા તૈયાર કરે છે અને એનું જાહેર સ્થળોએ વેચાણ કાર્યક્રમ પણ કરવામાં આવે છે અને તે માટે સ્ટોલ પણ ઉભા કરવામાં આવે છે. જેથી સહુ કોઈ ખરીદી કરીને દિવ્યાંગ બાળકોને મદદ અને પ્રોત્સાહિત કરી શકે છે. લોકો પણ આ ઉમદા સેવાકાર્ય સાથે જોડાઈ પ્રેમ અને પ્રોત્સાહનનું અનેરું ઉદાહરણ પૂરું પાડે છે.

દિવ્યાંગ બાળકોએ 7 હજાર કોડિયા 50 દિવસમાં બનાવ્યાં
આ વર્ષે પણ દિવ્યાંગ બાળકોએ 7 હજારથી વધુ રંગબેરંગી કોડિયા 50 જેટલા દિવસની મહેનતથી બનાવ્યા છે. વી.એસ.ગાંધી. ચેરીટેબલ ટ્રસ્ટના શુભેચ્છક એવા હરેન્દ્ર ભટ્ટના પ્રયાસથી આ કોડિયાનો મોટો ઓર્ડર મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. તો દિવ્યાંગ બાળકોએ સતત મહેનત કરીને ઑર્ડર પ્રમાણે બધા કોડિયા તૈયાર કરી દીધા હતાં. વડતાલ સ્વામિનારાયણ મંદિર, જ્ઞાનબાગ દ્વારા કપડવંજના દિવ્યાંગ બાળકોએ બનાવેલા બધા જ કોડિયા ખરીદી લેતાં આ દિવાળીએ દિવ્યાંગ બાળકોના જીવનમાં ઉજાસ પથરાશે.

શહેરીજનોને આ સેવાકાર્યમાં મદદરૂપ થવા અપીલ કરી
આ ઉમદા કાર્યમાં ભાગીદાર બનવા બદલ હરેન્દ્ર ભટ્ટનો દિવ્યાંગ બાળકો તથા સંસ્થાએ આભાર માન્યો હતો. ભારત વિકાસ પરિષદ દ્વારા પણ આજે જીવનશિલ્પ કેમ્પસ ખાતે યોજાનાર શરદ પૂનમની ઉજવણીમાં દિવ્યાંગોના બનાવેલા આ કોડિયાનો સ્ટોલ ઊભો કરી સંસ્થાના પરિવારજનો અંદાજે 1,000થી વધુ દીવડા ખરીદવાના છે. સંસ્થાના મહેશ મકવાણા અને ભુપત સોલંકીએ શહેરીજનોને દિવ્યાંગોએ બનાવેલા કોડીયાની વધુમાં વધુ ખરીદી કરી સેવાકાર્યમાં મદદરૂપ થવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...