10 વર્ષીય બાળ ક્રિકેટરે લોકોનું ધ્યાન ખેંચ્યું:કપડવંજના તોરણાના દર્શ પટેલની ખેડાની અંડર -14 ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે પસંદગી, પિતાનું સપનું કે દીકરો દેશ માટે રમે

કપડવંજએક મહિનો પહેલા

કપડવંજ તાલુકાના તોરણા ગામના કેતન પટેલના દીકરો દર્શ પટેલ 10ની ઉંમરે ખેડા જિલ્લાની અંડર -14ની ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે પસંદગી પામતાં સમગ્ર તોરણા ગામનું અને કપડવંજ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. નડિયાદ ખાતે અંડર-14 માટે સિલેક્શન પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં અંદાજે 150 જેટલા બાળકોએ ભાગ લીધો હતો, જેમાંથી 30 બાળકો પસંદગી પામ્યા હતાં. જેમાં દર્શ પટેલની ઓલરાઉન્ડર તરીકે પસંદગી થતાં તેના મમ્મી-પપ્પા અને પરિવારજનોમાં તેમજ સમગ્ર કપડવંજ પંથકના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

દર્શ પટેલ ભણવામાં પણ ખૂબ હોશિયાર
દર્શના પિતા કેતન પટેલે જણાવ્યું હતું કે, દર્શ ધોરણ પાંચમાં સી.ડી.ગાંધી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તે ભણવામાં ખૂબ હોશિયાર છે. અભ્યાસની સાથે તેને ક્રિકેટમાં બહુ જ રસ છે. એ જોઈને મને આનંદ થાય છે, સાથે જ આટલી નાની ઉંમરે રમવાનો અને ક્રિકેટ પ્રત્યેના તેના લગાવના કારણે હું તેની સાથે રહી છેલ્લા સાત મહિનાથી રોજ બે કલાક મુખ્યાજી ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટીસ કરાવું છું.

વિરાટ કોહલીને આદર્શ માને છે
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દર્શ વિરાટ કોહલીને પોતાનો આદર્શ માને છે, તો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્નથી તે ખૂબ પ્રભાવિત છે. હંમેશાં ખુશ રહેતો દર્શ ક્રિકેટ રમવાની સાથે-સાથે અભ્યાસ કાર્ય સાથે સહેજ પણ અન્યાય કરતો નથી. મારું સપનું છે કે ભવિષ્યમાં તેનું સિલેક્શન ઇન્ડિયા ટીમમાં થાય અને દેશ માટે રમે.

કપડવંજના લોકોએ અભિનંદન પાઠવ્યા
તો આ સાથે જ, સમગ્ર કપડવંજના લોકીએ દર્શની ઉજ્જવળ કારકિર્દી માટે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તોરણા ગામના અમુક યુવાનો રણજી ટ્રોફીમાં પણ પસંદ થયા હતા. ત્યારે આવનાર સમયમાં દર્શ હજારો બાળકો માટે પ્રેરણા બને એવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...