બેદરકારી:કપડવંજમાં સ્કૂલ બહાર ખોદેલા 30 ફૂટના ઊંડા ખાડાથી જોખમ

કપડવંજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્કૂલો શરૂ થતા વાલીઓની ચિંતામાં વધારો - Divya Bhaskar
સ્કૂલો શરૂ થતા વાલીઓની ચિંતામાં વધારો
  • ગટર રિપેર કરવા 5 દિવસથી ખાડો ખોદયો, કોર્ડન ન કર્યો

ગૂરૂવારથી શાળાઓ શરૂ થઈ રહી છે, ત્યારે કપડવંજ કેળવણી મંડળ બહાર 5 દિવસથી ખોદેલ ખાડાને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડે તેવી સ્થિતનું નિર્માણ થયું છે. તાજેતરમાં ગેસ પાઈપ લાઈન નાખતા સમયે ગટર લાઈન તુટી ગઈ હતી. જે ગટર લાઈનનું કામ રિપેર કર્યા બાદ ફરીથી તુટી જતા હવે ફરી તેના રિપેરીંગ માટે કેળવણી મંડળના દરવાજા બહાર 30 ફુટ ઉંડો ખાડો ખોદી નાંખવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થીનો પગ લપસ્યો અને તે ખાડામાં પડશે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો વાલી કરી રહ્યા છે.

કેળવણી મંડળ ની જુદી જુદી શાળાઓમાં થઈ 10,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ ગૂરૂવારથી શાળા શરૂ થઇ છે. ત્યારે અહીં ખોદેલો ખાડો લોકો માટે મુશ્કેલી સર્જી શકે છે. નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ બાબતે જણાવવામાં આવ્યું છે કે છ મહિના અગાઉ એક એજન્સી દ્વારા સીએનજી ગેસની પાઇપલાઇન નાખવામાં આવી હતી.

જેની બેદરકારીના કારણે બાજુમાંથી પસાર થતી ગટરની લાઈન તૂટી હતી. જેથી નગરપાલિકાની સૂચના આધારે પાઈપ લાઈનનું કામ કરતી એજન્સીએ જેતે સમયે કરવા પુરતી કામગીરી કરી રીપેરીંગ કરી દીધુ હતુ. જેના કારણે 3 દિવસ અગાઉ ફરીથી પાઈપ લાઈન તુટી ગઈ હતી. જેથી પાલિકા દ્વારા હવે નવી એજન્સી પાસે ગટર લાઈન રિપેરીંગ કરવાની કામગીરી શરૂ કરાવી છે.

શાળા શરૂ થાય તે પહેલા ખાડો પૂરવા રજૂઆત કરી હતી
અમે કપડવંજ નગરપાલિકાને રજૂઆત કરી હતી કે શાળા શરૂ થાય તે પહેલા વહેલી તકે ખાડો પુરવાનું કામ પૂર્ણ કરવામાં આવે. જેથી વિદ્યાર્થીઓને સંકુલમાં આવતા સમયે અડચણરૂપ ન થાય. પરંતુ આજદીન સુધી ખાડો યથાવત છે. - મૌલિક ભટ્ટ, સીઈઓ કપડવંજ કેળવણી મંડળ

કામ પૂર્ણ થતા ચાર-પાંચ દિવસ થશે
નગરપાલિકાની મુખ્ય ગટર લાઈનને નુકસાન થયું હતું. જેનાથી મેન લાઇન ચોકઅપ થઈ ગઈ હતી. હાલ જુની એજન્સી કામ કરવાની ના પાડતા અન્ય એજન્સી પાસે કામ કરાવી રહ્યા છીએ. ચાર પાંચ દિવસમાં કામ પૂર્ણ કરાવામાં આવશે. - વિષ્ણુ પટેલ, એન્જિનિયર, કપડવંજ નગરપાલિકા

ઘણા સમયથી સમસ્યા હતી, તો વહેલું કામ કેમ ન કર્યું?
છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી ઉભરાતું હતું. શાળાઓનું બીજું સત્ર શરૂ થયું છે ત્યારે જ નગરપાલિકા દ્વારા પ્રવેશ દ્વાર પાસે જ ખાડો ખોદી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે અગવડતા ઉભી કરી છે. જો આ ખાડાને પરિણામે કોઈ અઘટિત ઘટના ઘટશે તો તેનું જવાબદાર કોણ.- હાર્દિક જોશી,વાલી

અન્ય સમાચારો પણ છે...