સમગ્ર ગુજરાતમાં મોટાભાગની વિધાનસભા સીટ ઉપર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી સહિતની પાર્ટીઓના ઉમેદવાર જાહેર થઈ ગયા છે. ત્યારે અમુક સીટોને લઈને આજદિન સુધી લોકો ઉમેદવારને લઈને વિચારમાં હતા. ત્યારે આજરોજ કપડવંજમાં ભાજપ અને આપ બન્ને પક્ષના ઉમેદવાર જાહેર થઈ ગયા છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફરી એકવાર કાળુંસિંહ ડાભીના નામ પર મહોર મારવામાં આવી છે.
2017માં 27,226 જંગી મતથી વિજય થયા હતા
આ સમાચાર કોંગ્રેસ દ્વારા જાહેર કરતાની સાથે કપડવંજ/કઠલાલ વિધાનસભાના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કાળુસિંહ ડાભી ત્રિપાખીયા જંગમાં 27,226 જંગી મતથી વિજય થયા હતા. કાળુસિંહ ડાભી હાલ કપડવંજ/કઠલાલ વિધાનસભાના ધારાસભ્ય છે, સરળ અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવે છે. કઠલાલ તાલુકાના છીપીઆલ ગામના વતની અભ્યાસે ઓલ્ડ SSC છે.
2004થી આજ દિન સુધી બિનહરીફ
તેમની રાજકીય કારકિર્દી જોઈએ તો 1985થી 1991 એમ કુલ છ વર્ષ તેઓ છીપયાલ ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકેની સેવાઓ આપી. 1991થી 1995 પાંચ વર્ષ સરપંચ તેમજ ફરીથી 2002થી 2007 સુધી પાંચ વર્ષ સરપંચ પદે રહ્યા. 2004થી આજ દિન સુધી બિનહરીફ કઠલાલ તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી છે. ઉપરાંત તાલુકાથી લઈ જિલ્લા સ્તર સુધી ધારાસભા અને લોકસભાની ચૂંટણીમાં સક્રિય કામગીરી કરેલ એવા કાળુસિંહ ડાભીએ પક્ષની સભાઓ કે રેલીઓ અને અનેક શિબિરમાં અનેકવિધ પક્ષની કામગીરી કરી છે. ત્યારે ફરી એકવાર તેમને ટિકિટ આપી કોંગ્રેસ દ્વારા જીતની રણનીતિ ઘડી હોય એમ તેમના કાર્યકરોમાં લાગી રહ્યું છે.
કઠલાલ તાલુકામાં પાણી, રોડ-રસ્તાની સારી કામગીરી
ધારાસભ્ય તરીકેની કામગીરી જોઈએ તો, તેઓએ કપડવંજ અને કઠલાલ તાલુકાના પાણી, રોડ-રસ્તા માટે રજૂઆતો, ઘારાસભ્યની ગ્રાન્ટમાંથી કપડવંજ અને વિસ્તારમાં અનેક કામો કરેલ છે. કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ ફાળવી હતી. તેમજ કોરોના કાળમાં પણ ઉપયોગી સેવાઓ કર્યાની વિગતો મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.