કપડવંજમાં "ભૂલકાઓનો ખજાનો" કાર્યક્રમ યોજાયો:બાળવાર્તા, અભિનય ગીત, તાલની રમત, જેવી કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોને બાળજગતમાં હોવાનો અહેસાસ કરાવ્યો

કપડવંજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત પ્રિ-પ્રાયમરી સંસ્થાઓના શિક્ષિકાબહેનો દ્વારા "ભૂલકાઓનો ખજાનો" કાર્યક્રમની અદભૂત રજૂઆત "બાલ દેવો ભવઃનું સૂત્ર આપનાર બાળકોની 'મુછાળી મા'ના હુલામણાં નામથી જાણીતા ગિજુભાઈ બધેકાના જન્મદિવસ 15મી નવેમ્બરને ગુજરાત સરકારે જ્યારે "બાળવાર્તા" દિવસ તરીકે જાહેર કર્યો ત્યારે કપડવંજ કેળવણી મંડળ સંચાલિત ત્રણેય પ્રિ-પ્રાયમરી શાળા શ્રી જડાવબા શિશુ કેન્દ્ર, શ્રી એમ.વી. પરીખ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ (નર્સરી) અને શ્રી સ્પંદન બાલમંદિર દ્વારા "ભૂલકાઓનો ખજાનો" કાર્યક્રમનું 22મી નવેમ્બરના રોજ આયોજન કરાયું હતુ. જેમાં ત્રણેય પ્રિ-પ્રાયમરીના શિક્ષિકાબહેનોએ ગિજુભાઈ કેવી રીતે વકીલથી શિક્ષણ શાસ્ત્રી બન્યા અને દક્ષિણામુર્તિની સ્થાપના કરી એ સુંદર નાટક દ્વારા રજૂ કર્યું હતુ. સાથે બાળવાર્તા, અભિનય ગીત, તાલની રમત, જોડકણાં જેવી કૃતિઓ શિક્ષકોએ રજૂ કરી ઉપસ્થિત મહેમાનો અને પ્રેક્ષકોને બાળજગતમાં હોવાનો અહેસાસ કરાવ્યો હતો.

આર્શીવચન આપી સર્વેને શુભેચ્છા આપી
આ બધી જ પ્રવૃતિઓ ત્રણેય શાળા તેમના રોજના અભ્યાસક્રમમાં બાળકો સાથે કરાવે છે. જેનાથી બાળકોમાં સ્થિરતા, સ્વાવલંબન અને ભાષાની અભિવ્યક્તિમાં વધારો થાય છે. સમારંભના પ્રમુખ ડૉ. હરીશ કુંડલિયાએ તેમના આશીર્વચન આપી સર્વેને શુભેચ્છા આપી હતી. વાલી અને શિક્ષકોને સાથે મળી બાળકના વિકાસમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો. 100 વર્ષ પહેલા જે વિચારધારા પર ગિજુભાઈએ ભાવનગરમાં દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરી એ જ સંસ્થાનો 27 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા દીપાબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.

બાળક જ્યાં અટકે ત્યાં એને મદદ કરો: દીપા પટેલ
નવી શિક્ષણ નીતિમાં અભ્યાસક્રમ બનાવવામાં પણ ગુજરાત સરકારે દીપાબેનને મહત્ત્વની જવાબદારી સોંપી છે. કાર્યક્રમમાં શિક્ષિકાબહેનોની મહેનત અને સમર્પણને બિરદાવી વાલીઓને જણાવ્યું કે તમે આગળ ચાલી સરળ રસ્તો બનાવી આપી તમારા સંતાનને માત્ર અનુકરણ કરવાનું ના કહેશો. પરંતુ તેને આગળ ચાલવા દો, જ્યાં અટકે ત્યાં એને મદદ કરો.

બાળકોને ગુણવત્તા યુક્ત સમય આપવા નીલા પંડ્યાની હાંકલ
સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન આપનાર કેળવણી મંડળના એકેડેમીક હેડ પૂજાબેન આચાર્યએ જણાવ્યુ હતું કે, મંડળ સંચાલિત ત્રણેય શાળાના શિક્ષકોએ દક્ષિણામૂર્તિ ભાવનગરની ત્રણ દિવસની ટ્રેનીંગ લીધેલી છે. એક દિવસીય ટ્રેનીંગ દીપાબેને કપડવંજમાં આવી આપેલી છે. સરકારે નવી શિક્ષણ નીતિમાં જે પદ્ધતિને મહત્ત્વ આપ્યું છે તેને કેળવણી મંડળની ત્રણેય સંસ્થાઓએ છેલ્લા 3 વર્ષથી અમલમાં મૂકી છે. મંડળના ઉપપ્રમુખ નીલાબેન પંડ્યાએ બાળકોની સરખામણી ના કરશો અને તેમણે ગુણવત્તા યુક્ત સમય આપવા વાલીઓને હાંકલ કરી હતી.

પ્રોગ્રામ ઓફિસર મનીષા પટેલે આભાર વિધિ કરી
કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી એમ.વી. પરીખ નર્સરી સ્કૂલના પ્રિન્સિપાલ માનસીબેન ત્રિવેદી અને શ્રી સ્પંદન બાલમંદિરના પ્રિન્સિપાલ નિમિબેન સોનીએ પોતાની આગવી શૈલીમાં કર્યું. તેમને શ્રી જડાવબા શિશુ કેન્દ્રના આચાર્ય નયનાબેને સાથ આપ્યો હતો. કાર્યક્રમમાં કેળવણી મંડળના મંત્રી અનંત શાહ, સી.ઇ.ઓ. મૌલિક ભટ્ટની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સંગીત અને તાલ પારસ ભટ્ટ અને દેવેન્દ્રભાઈએ આપી કાર્યક્રમને સંગીતમય કર્યો હતો. ટેકનિકલ સપોર્ટ જીતભાઈએ પુરો પાડ્યો હતો. છેલ્લે આભાર વિધિ મંડળના એજ્યુકેશન વિભાગના પ્રોગ્રામ ઓફિસર મનીષા પટેલે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...