ચિલ્ડ્રન ડે:કપડવંજની ગાડીયારા પ્રાથમિક શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળ દિનની ઉજવણી કરાઈ; બાળકોમાં ખુશી જોવા મળી

કપડવંજ3 મહિનો પહેલા

સમગ્ર વિશ્વમાં બાળ દિવસ જુદી જુદી તારીખોએ ઉજવવામાં આવે છે. ભારતમાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો જન્મદિવસ 14 નવેમ્બર, બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે, તે બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા અને બાળકો તેમને ચાચા નેહરુ તરીકે બોલાવતા હતા. ત્યારે, આજ રોજ બાળ દિન અંતર્ગત આંબલિયારા કલસ્ટરની ગાડીયારા પ્રાથમિક શાળામાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોને અલગ અલગ ગૃપમાં બેસાડી રંગબેરંગી ચિત્ર દોરાવી સ્પર્ધા યોજવામાં આવી હતી. ઉપરાંત, બાળકોના અધિકાર, બાળકોના સ્વાસ્થ્ય વિષયક તેમજ બાળકોને મનોરંજન પૂરું પાડતા વિડીયો બતાવવામાં આવ્યા હતા. આ સાથે વિવિધ વિષયો પર નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી.

દિવાળીના લાંબા વેકેશન બાદ બાળકો સાથે વિશેષ એવા બાળ દિવસની ઉજવણી થતા બાળકો ખુશ ખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હતા. તો આજ રોજ શાળાના શિક્ષકગણ, આચાર્ય અને દોસ્ત ફાઉન્ડેશનના પ્રતિનિધિ મમતાબેન દ્વારા બાળકોને કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડવામાં આવી હતી. તો આ સાથે જ ઉપસ્થિત તમામ લોકો અને બાળકોએ એકબીજા સાથે બાળ દિવસની શુભેચ્છાઓની આપ લે કરી હતી.

આ તબક્કે શાળાના આચાર્ય મીનેષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આજ રોજ બાળ દિવસની ઉજવણી અંતર્ગત શાળામાં બાળકોના વિકાસને લગતા તેમજ તેમના શિક્ષણ અંતર્ગત કેટલીક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. બાળકો તેમના સારા સ્વાસ્થ્ય માટે સજાગ બને તેમજ આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. જે ધ્યાનમાં રાખી આજ રોજ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી બાળકોમાં ખૂબ ખુશી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...