ખેડૂતલક્ષી યોજનાઓનું લોકાર્પણ:કપડવંજના મહંમદપુરા ખાતે સેન્ટર ઓફ એકસેલેન્સ અને પ્રાઈમરી પ્રોસેસિંગ સેન્ટરનું ઈ-ખાતમુહૂર્ત કરાયું

કપડવંજ23 દિવસ પહેલા

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી સમગ્ર રાજ્યમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના બાગાયત ખાતાની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને વિવિધ પ્રોજેક્ટનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ખેડા જિલ્લાના કપડવંજના મહંમદપુરા ખાતે રૂપિયા 10 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સેન્ટર ઓફ એકસેલેન્સ અને પ્રાઈમરી પ્રોસેસિંગ સેન્ટરનું ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત સેન્ટર ઓફ એકસેલેન્સ અને પ્રાઈમરી પ્રોસેસિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત અને પાક પરીસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ કપડવંજ ટાઉનહોલ ખાતેના બાગાયત પાક પરિસંવાદના કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ગુજરાતની ખેતીમાં આવેલા પરિવર્તનની વાત કરતા મંત્રી દેવુસિંહે જણાવ્યું કે, અત્યારે ગુજરાત સમગ્ર દેશમાં 9% ફળ અને 12% ફૂલોનું ઉત્પાદન કરે છે.

ખેડા જિલ્લામાં પણ મોગરા અને ગલગોટાની ખેતી વધી રહી છે. મંત્રીએ ખેડા જિલ્લામાં હાલમાં પપૈયા, આંબા, આંબળા અને વેલા વાળા શાકભાજીના ઉત્પાદનમાં થયેલા વધારા બદલ તેમણે જિલ્લા ખેડૂતોને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ લાભાર્થીઓને પપૈયાંની ખેતી, ટ્રેકટર સહાય, પંપ અને પાવર સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત રવદાવત અને શિહોરા ગામનાં પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીની પ્રેરણાત્મક વાતો કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...