પિતા ત્રણ ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા:કપડવંજમાં ભાજપના ઉમેદવાર રાજેશ ઝાલાએ કાર્યકરોને સંબોધન કર્યું; સમર્થકો સાથે રહી ઉમેદવારી ફોર્મ ભર્યું

કપડવંજ3 મહિનો પહેલા

ભાજપના ઉમેદવાર રાજેશ ઝાલાએ પંચામૃત હોટલે મોટી સંખ્યામાં કાર્યકરોને સંબોધન કર્યું હતું. જે બાદ કાર્યાલયનું ઉદઘાટન કરી ત્યારબાદ કપડવંજ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા ગયા. આ પ્રસંગે પંકજભાઈ દેસાઈ, અર્જુનસિંહ ચૌહાણ સહિત ભાજપ સંગઠનના કઠલાલ કપડવંજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.

સેવાભાવી રાજેશભાઈનો જન્મ અને અભ્યાસ
કઠલાલ તાલુકાના નવા ગોગજીપુરાના વતની રાજેશભાઈ ઝાલાનો જન્મ 26/08/1988ના રોજ થયો હતો. તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. તેઓએ બી.એ.નો અભ્યાસ કરેલો છે. ખેડા જિલ્લા પંચાયતમાં હાલ સદસ્ય છે. તેઓના પિતા મગનભાઈ ઝાલા કઠલાલ વિધાનસભામાં 1975થી 1990 સુધી ત્રણ ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. ત્યારે, રાજકારણ એમના રગેરગમાં વહી રહ્યું છે એમ કહી શકાય.

વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા
રાજેશભાઈ તાજેતરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. તેઓની સાથે ખેડા તાલુકાના સાત તાલુકા પંચાયત સભ્ય, 40 સરપંચો, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી, મંત્રી, કારોબારી સભ્યો આઇ.ટી.ની જિલ્લાની સમગ્ર ટીમ, તાલુકા અને શહેરના કારોબારી સભ્યો સહિત કોંગ્રેસના અનેક કાર્યકરો, હોદ્દેદારો સાથે 5 હજારથી વધુ સમર્થકો પણ ભાજપમાં જોડાયા હોવાની માહિતી મળી હતી.

વ્યવસાય સાથે જોડાયેલ રાજેશભાઈએ કોને કેટલી મદદ કરી
ખેતી, સો મીલ અને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલ રાજેશભાઈએ સામાજિક સેવા થકી પંથકમાં ભારે લોકપ્રિયતા મેળવેલી છે. તેઓએ અત્યાર સુધી 350 દીકરીઓને પોતાના ખર્ચે સમુહ લગ્ન કરાવી ઉમદા કાર્ય કર્યું છે. ઉપરાંત પંથકના અનેક ગરીબ અને જરૂરિયાતમંદો માટે તેઓ શિક્ષણની ફી પણ પૂરી પાડી રહ્યાં છે. વધુમાં જોઈએ તો, રાજેશભાઈએ ગત વર્ષે શહીદ થયેલ કપડવંજ તાલુકાના વણઝારીયા અને ઘડિયાના બે યુવાનો હિતેશ સિંહ પરમાર અને હરિશસિંહના પરિવારજનોને રૂ. 1 લાખ 11 હજારનો ચેક અર્પણ કર્યો હતો. ઉપરાંત, ઘડિયાના શહીદ યુવાનના બાળકોની આજીવન શિક્ષણની જવાબદારી પણ તેઓએ લીધી છે. રાજેશભાઈએ રવદાવત અને છીપડી ખાતે બે લાઇબ્રેરી શરૂ કરી છે‌. જેમાં તેઓ પંથકના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નડિયાદથી નિષ્ણાંતોને લાવીને શિક્ષણ આપે છે. ઉપરાંત જરૂરી તમામ પુસ્તકો પણ પૂરા પાડી રહ્યાં છે. કોરોના કાળમાં પણ તેઓએ ગરીબોને અનાજ અને રોકડની ખૂબ મદદ કરી હતી.

ક્યાં કઈ જવાબદારી નિભાવી
રાજેશ ઝાલા ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને મહામંત્રી, જિલ્લા પંચાયતના સદસ્ય અને નેતા, પ્રદેશમાં ડેલિકેટ, નવા ગોગજીપુરા દૂધ મંડળીમાં ચેરમેન, ખેડા લોકસભા યુથ કોંગ્રેસમાં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેઓ હર્ષદ એજ્યુકેશન ટ્રસ્ટ ગોગજીપુરાના પ્રમુખ, જય અંબે એજ્યુકેશન ટ્રસ્ટ નવા ગોગજીપુરાના પ્રમુખ, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંચાલક મંડળના મંત્રી, મગનભાઈ ગોકળભાઈ ઝાલા ચેરીટેબલ ટ્રસ્ટ કઠલાલના પ્રમુખ, વિદ્યોતેજક કેળવણી મંડળ બદરપુરાના પ્રમુખ, કઠલાલ તાલુકા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંચાલક મંડળના પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...